Covid 19: કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં ફરી એકવાર કોરોના મહામારી પગ પેસારો કરી રહી છે. કોરોનાના નવા વેરિએન્ટ JN.1એ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કોરોનાના વધતા જતા કેસો અને શ્વસન સંબંધી બિમારીથી પીડિત લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
ADVERTISEMENT
બેઠકમાં આ લોકોએ લીધો ભાગ
આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, અધિકારીઓ સહિત ઘણા લોકો સામેલ થયા હતા. આ દરમિયાન સ્વાસ્થ્ય સુવિધાઓ અને તૈયારીઓની સાથે જ સંક્રમણને અટકાવવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં ICMR ડાયરેક્ટર ડૉ. રાજીવ બહલ, નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ અને ICMRના પૂર્વ ડારેક્ટર જનરલ ડૉ. સૌમ્યા સ્વામીનાથને પણ ભાગ લીધો હતો.
મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ
કોવિડ-19 પર સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, ‘આ સમય એકબીજા સાથે મળીને કામ કરવાનો છે. સાથે જ સમગ્ર સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો સમય છે. આપણે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.’ તેમણે કહ્યું કે હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકોની સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. દરેક હોસ્પિટલોમાં દર ત્રણ મહિનામાં એકવાર મોક ડ્રીલ હાથ ધરવી જોઈએ. તેમણે કહ્યું, ‘હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ પ્રકારના સમર્થનની ખાતરી આપું છું. આરોગ્ય એ રાજકારણનું ક્ષેત્ર નથી.’
ફરી વધવા લાગ્યું કોરોનાનું સક્રમણ
દેશભરમાં આજે સવારે કુલ 341 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે, જેમાંથી 292 કેસ કેરળના છે. આ સાથે કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2041 થઈ ગઈ છે. ત્રણ મૃત્યુ સાથે કેરળમાં કોરોનાવાયરસને કારણે મૃત્યુઆંક હવે વધીને 72,056 થઈ ગયો છે.
224 દર્દી થયા સ્વસ્થ
છેલ્લા 24 કલાકમાં 224 દર્દીઓ કાં તો સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કોવિડ કેસ વધીને 68,37,203 થઈ ગયા છે.
ADVERTISEMENT