Corona JN.1 Variant: કોરોનાનો નવો વેરિઅન્ટ JN.1 (JN.1 Variant) દેશમાં ચિંતા વધારી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. નવા વેરિઅન્ટ JN.1ની ગંભીરતાને ધ્યાનમાં લઈને દરેક કોરોના પોઝિટિવ કેસના સેમ્પલને સેન્ટરની લેબ સુધી મોકલવા માટે કહેવામાં આવ્યું છે. દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટું અપડેટ આપ્યું છે. નવા વેરિઅન્ટની અન્ટ્રી અને કોરોનાના કેસમાં સતત થઈ રહેલા વધારા બાદ કહેવામાં આવી રહ્યું છે કે શું આ સંકટમાં લોકોને વેક્સિનના ચોથા ડોઝની જરૂર છે? અને જો જરૂર છે તો વેક્સિનનો ચોથો ડોઝ ક્યારે અપાશે?
ADVERTISEMENT
કોરોનાએ વધારી મુશ્કેલીઓ
શિયાળાની સાથે જ કોરોનાએ ફરી એક વખત મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. આ વખતે કોરોના JN.1 વેરિઅન્ટની સાથે લોકોની વચ્ચે આવ્યો છે. આ ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ છે, જે સૌથી પહેલા સિંગાપોરમાં મળી આવ્યો હતો. સિંગાપોર પછી આ વેરિઅન્ટ ચીન અને અમેરિકા સાથે વિશ્વના 40થી વધુ દેશોમાં પહોંચી ચૂક્યો છે.
વેક્સિનનો ચોથો ડોઝ
ઈન્ડિયા SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના વડા એન.કે અરોરાએ જણાવ્યું કે, દેશમાં JN.1 વેરિઅન્ટની હાજરી ચોક્કસપણે ચિંતાજનક છે, પરંતુ કેસોમાં થયેલા વધારા અને આ નવા વેરિઅન્ટના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને હવે એવું કહી શકાય છે કે વેક્સિનના ચોથા બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી.
ચોથા ડોઝની જરૂર નથીઃ એન.કે અરોરા
તેમણે કહ્યું, “માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય ગંભીર બીમારીઓ છે તેઓએ જો ત્રીજો ડોઝ ન લીધો હોય તો તેઓ સાવચેતીના પગલા તરીકે ત્રીજો ડોઝ લઈ શકે છે. હાલમાં સામાન્ય લોકોને ચોથા ડોઝની કોઈ જરૂર નથી. અમે લોકોને ગભરાયા વિના સાવચેતી રાખવાની સલાહ આપીએ છીએ.”
કહેર વર્તાવી રહ્યો છે નવો વેરિઅન્ટ
ધ હિન્દુ સાથે વાત કરતા એન.કે અરોરાએ કહ્યું કે આ નવો વેરિઅન્ટ ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ છે, જે વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી તેની અસર વર્તાવી રહ્યો છે અને લોકોને ખૂબ જ બીમાર કરી રહ્યો છે. પરંતુ, સદનસીબે ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટે ભારતમાં વધુ અસર દર્શાવી નથી. વધુ ગંભીર રીતે બીમાર કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના કોઈ સમાચાર નથી.
રવિવારે નોંધાયા હતા 656 નવા કેસ
નોંધનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 656 કેસ નોંધાયા છે. આ પછી એક્ટિવ કેસ વધીને 3,742 થઈ ગયા છે. કેરળમાં 24 કલાકમાં એક નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક 5,33,333 પર પહોંચી ગયો છે.
ADVERTISEMENT