Opposition Alliance: નીતિશ કુમારની નારાજગી બાદ કોંગ્રેસ એક્ટિવ મોડમાં! મલ્લિકાર્જુન ખડગેએ બિહારના મુખ્યમંત્રીને કર્યો ફોન

Opposition Alliance: તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક કાર્યક્રમમાં વિપક્ષી ગઠબંધન અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હવે એવું લાગી રહ્યું છે કે…

gujarattak
follow google news

Opposition Alliance: તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક કાર્યક્રમમાં વિપક્ષી ગઠબંધન અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હવે એવું લાગી રહ્યું છે કે નીતિશ કુમારના બળવાખોર વલણથી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. વાસ્તવમાં એવા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ગઈકાલે રાત્રે ટેલિફોનિક વાતચીત કરી છે.

આ મુદ્દે બંન્ને નેતાઓ વચ્ચે થઈ વાતચીત

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓની વચ્ચે વિપક્ષી ગઠબંધન (INDIA)ને લઈને વાતચીત થઈ. મલ્લિકાર્જુન ખડગેએ નીતિશ કુમારને ખાતરી અપાવી છે કે વિધાનસભા ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધન પર વાતચીત થશે. તમને જણાવી દઈએ કે, ગત ગુરુવારે પટનામાં એક કાર્યક્રમ દરમિયાન નીતિશ કુમારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ વિપક્ષી ગઠબંધનની આગામી બેઠકનું આયોજન કરવામાં કોઈ રસ નથી લઈ રહી. આ જ કારણ છે કે મલ્લિકાર્જુન ખડગે દ્વારા નીતિશ કુમાર સાથે ટેલિફોન વાતચીતને નીતિશ કુમારની નારાજગી દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

નીતિશ કુમારે વ્યક્ત કરી હતી નારાજગી

જનતા દળ યુનાઈટેડના નેતા નીતિશ કુમારે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) દ્વારા આયોજિત ‘ભાજપ હટાઓ, દેશ બચાવો’ રેલીમાં જણાવ્યું હતું કે, વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂસિવ એલાયન્સ’ (INDIA) કરતા વધારે કોંગ્રેસનું ધ્યાન આગામી સમયમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. નવેમ્બરમાં અલગ-અલગ તારીખે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી છે. તેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

કોંગ્રેસ 5 રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્તઃ નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું હતું કે, ”અત્યારે તો વધારે કામ નથી થઈ રહ્યું, પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસ પાર્ટીને તો તેમાં જ વધારે રસ છે. કોંગ્રેસ પાર્ટીને આગળ રાખીને તેને (ઈન્ડિયા ગઠબંધનને) વિસ્તારવા માટે અમે બધા એકજુથ થઈને કામ કરી રહ્યા હતા, પરંતુ તેમને આની કોઈ ચિંતા જ નથી. તેઓ હાલમાં પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં વ્યસ્ત છે. જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જશે ત્યારે આપોઆપ બધાને બોલાવશે. અત્યારે તેની ચર્ચા થઈ રહી નથી.”

I.N.D.I.A. સામે શું છે પડકાર?

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની ત્રણ બેઠકો થઈ ચૂકી છે. પ્રથમ બેઠક બિહારના પટનામાં અને બીજી બેંગલુરુમાં યોજાઈ હતી. તો મુંબઈમાં ગઠબંધનની છેલ્લી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં સંકલન સમિતિ બનાવવાનું નક્કી કરાયું હતું. આ પછી દિલ્હીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જોકે, આ પછી ઈન્ડિયા ગઠબંધને એકતાની વાતને પુનરાવર્તિત કરી હતી, પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લીધો ન હતો. આ ગઠબંધન સામે સૌથી મોટો પડકાર સીટોની વહેંચણીનો છે.

    follow whatsapp