Donate for Desh: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ હાલમાં ભંડોળની અછતનો સામનો કરી રહી છે. પાર્ટીને આગામી લોકસભા ચૂંટણી માટે પૈસાની જરૂર છે અને પાર્ટીને કોર્પોરેટ જગત પાસેથી વધુ મદદની અપેક્ષા નથી. આ કારણોસર પાર્ટીએ પોતાના નેતાઓને મદદ કરવા કહ્યું છે. હવે મદદ આવી પણ રહી હતી, પરંતુ આ વચ્ચે એક મોટો ખેલ થઈ ગયો. મીડિયા રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે જે પેમ્ફલેટ પર QR કોડ લગાવ્યો હતો, તે ફેક હોવાનું જાણવા મળ્યું છે. આ કારણોસર પૈસા કોંગ્રેસના ખાતામાં નહીં પરંતુ બીજા જ એકાઉન્ટમાં ચાલ્યા ગયા છે. એટલે કે પાર્ટીને લાખો રૂપિયાનો સીધો ફટકો પડ્યો છે.
કોંગ્રેસ સાથે થઈ ગયો મોટો ખેલ
અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા આ નુકસાન પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ જ્યારે QR કોડ સ્કેન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે કોઈ બીજી નકલી વેબસાઇટ પર લઈ જઈ રહ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસની વેબસાઇટ DonateINC.in છે. આના પર પૈસા આપવાના હતા, પરંતુ QR કોડ લોકોને DonateINC.co.in વેબસાઈટ પર લઈ ગયો. હવે નકલી વેબસાઈટમાં ‘co’ છે, જ્યારે અસલી વેબસાઈટ DonateINC.in છે અને તેના કારણે ખોટી વેબસાઈટ પર પૈસા ચાલ્યા ગયા છે. કહેવાય છે કે ખોટી વેબસાઈટ લિંકને કારણે કોંગ્રેસને આપવામાં આવેલ લાખો રૂપિયાનું દાન ખોટા ખાતામાં પહોંચી ગયું હતું.
28મી ડિસેમ્બરે શરૂ થયું હતું અભિયાન
કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા ઓનલાઈન ડોનેશન એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તેને ડોનેટ ફોર દેશ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ પર શરૂ કરવામાં આવ્યું હતું. જે સતત ચાલુ છે. અત્યાર સુધી આ અભિયાનમાં સૌથી વધુ દાન તેલંગાણા દ્વારા આપવામાં આવ્યું છે.