ગાંધીનગરઃ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આયોજિત થશે. અત્યારે લમ્પી વાઈરસના કહેર પછી પશુઓના જીવ બચાવવાથી લઈ આ રોગને કાબૂમાં કરવાનો મુદ્દો આ બેઠકમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. ઉપરાંત વડપ્રધાન મોદીનાં પ્રવાસથી લઈ હર ઘર તિરંગા અભિયાન મુદ્દે પણ અહીં ચર્ચા કરાશે. આના સિવાય વરસાદની સ્થિતિથી લઈને ડેમમાં પાણીની અછતનો મુદ્દો પણ અહીં ચર્ચાનો ભાગ બની રહેશે.
ADVERTISEMENT
લમ્પી વાઈરસ પશુઓ માટે કાળ સમાન
ગુજરાતમાં લમ્પી વાયરસના વધતા જતા કેસોથી સરકારની ચિંતામાં વધારો થયો છે. હવે આજની આ બેઠક દરમિયાન લમ્પી સંક્રમણને કાબૂમાં રાખવાથી લઈને વેક્સિનેશનની કામગીરી અંગે પણ સમીક્ષા થઈ શકે છે. આ અંગે લમ્પી સંક્રમણ પર નિયંત્રણ લાદવા તથા વેક્સિનેશન સહિતની અન્ય સારવાર માટે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
57 હજાર પશુઓ અસરગ્રસ્ત
પશુપાલન વિભાગના આંકડા પ્રમાણે 20 જિલ્લાનાં 2189 ગામોમાં લમ્પી વાઈરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જેના કારણે અત્યારસુધી 57 હજાર 677 પશુઓને અસર પહોંચી છે તો બીજી બાજુ આના કહેર વચ્ચે 1639 પશુઓના મોત નીપજ્યાં છે.
કચ્છમાં લમ્પીનો કહેર યથાવત
લમ્પી વાયરસનો કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે. અહીં કુલ 38 હજાર 141 પશુઓને લમ્પી વાઈરસની અસર થઈ છે. જેના કારણે 1190 પશુઓના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી લમ્પી વાઈરસને રોકવા માટે 11 લાખ 68 હજાર 605 પશુઓનું વેક્સિનેશન હાથ ધરાયું હતું. જ્યારે લમ્પી વાયરસથી 14973 પશુઓ હજુ સંક્રમિત છે.
ADVERTISEMENT