MahipalSinh Makrana Firing: જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં રાષ્ટ્રીય કરણી સેનાની ઓફિસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા સાથે મારામારી કરી હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
જાણ થતાં જ પોલીસ દોડતી થઈ
પોલીસે જણાવ્યું કે ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય કરણી સેનાની ઓફિસમાં ફાયરિંગ થયું હોવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી પોલીસને કારતૂસના શેલ પણ મળી આવ્યા હતા.
કોઈ વાતને લઈને થઈ બોલાચાલી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિપાલ સિંહ મકરાણા ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ શિવ સિંહ શેખાવતની ઓફિસે વાતચીત કરવા માટે ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી અને વિવાદ વધી ગયો હતો. વિવાદ બાદ એક પક્ષે બીજા પક્ષ પર ફાયરિંગ કર્યું. જોકે, ગોળી કોઈને વાગી નથી.
મહિપાલસિંહને હોસ્પિટલમાં ખસેડાયા
તો ફાયરિંગ બાદ રાષ્ટ્રીય કરણી સેનાની ઓફિસમાં હાજર શિવ સિંહના સમર્થકોએ મહિપાલ સિંહ મકરાણા સાથે મારપીટ કરી. જેમાં મહિપાલસિંહ મકરાણા ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે.
'દગો કરીને બોલાવીને મારવામાં આવ્યા'
મહિપાલસિંહના પત્ની વર્ષાએ કહ્યું કે, 'તેમને (મહિપાલ સિંહ)ને દગો કરીને બોલાવીને મારવામાં આવ્યા. તેમણે પહેલેથી જ 40 લોકોને ભેગા કર્યા હતા. તેઓને ખરાબ રીતે મારવામાં આવ્યા છે. તેમના (શિવ સિંહ) તરફથી ફાયરિંગ થયું હતું. તેમણે પોતે પણ ગોળીબાર કર્યો છે.'
ADVERTISEMENT