સ્ટેડિયમમાં ટ્રેક પર કૂતરું ફેરવનાર IAS દંપતિ ફરી ચર્ચામાં, સરકારે ફરજિયાત નિવૃત્તિ આપી દીધી

IAS Rinku Dugga: કેન્દ્ર સરકારે IAS ઓફિસર રિંકુ દુગ્ગાને ફરજિયાત નિવૃત્તિ આપી છે. 54 વર્ષીય દુગ્ગા હાલમાં અરુણાચલ પ્રદેશમાં સ્વદેશી બાબતોના મુખ્ય સચિવ હતા. આ…

gujarattak
follow google news

IAS Rinku Dugga: કેન્દ્ર સરકારે IAS ઓફિસર રિંકુ દુગ્ગાને ફરજિયાત નિવૃત્તિ આપી છે. 54 વર્ષીય દુગ્ગા હાલમાં અરુણાચલ પ્રદેશમાં સ્વદેશી બાબતોના મુખ્ય સચિવ હતા. આ સમાચારની પુષ્ટિ કરતા કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘રિંકુ દુગ્ગાના ટ્રેક રેકોર્ડને જોતા તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. આને લગતું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

શા માટે ફરજિયાત નિવૃત્તિ આપી?

રિંકુ દુગ્ગાને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) 1972ના નિયમ 56(J) હેઠળ ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. આ નિયમ અનુસાર, સરકાર જાહેર હિતમાં કોઈપણ સરકારી કર્મચારીને ફરજિયાત નિવૃત્તિ આપી શકે છે. 56(J) મુજબ, જો કોઈપણ સરકારી કર્મચારીનો ટ્રેક રેકોર્ડ સારો ન હોય, ભ્રષ્ટાચાર અને કામમાં ગેરરીતિના આક્ષેપો હોય, તો આવા કર્મચારી અથવા અધિકારીના કામની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે.

સમીક્ષા કર્યા પછી, સંબંધિત કર્મચારીને નોટિસ આપવામાં આવે છે અને પછી 3 મહિનાનો પગાર અને ભથ્થાં આપીને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે છે. આઈએએસ રિંકુ દુગ્ગાના કિસ્સામાં પણ આવું જ થયું. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ દુગ્ગાનો ટ્રેક રેકોર્ડ સારો નહોતો. આના આધારે કેન્દ્ર સરકારે તેમને ફરજિયાત નિવૃત્તિ આપી હતી.

કોણ છે IAS કપલ?

રિંકુ દુગ્ગા AGMUT કેડરના 1994 બેચના આઈએએસ અધિકારી છે અને છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં છે. ગયા વર્ષે રિંકુ દુગ્ગા અને તેના IAS પતિ સંજીવ ખિરવાર પર દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં મનમાની કરવાનો આરોપ લાગ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે IAS દંપતી તેમના કૂતરાને સ્ટેડિયમમાં લઈ જઈ શકે તે માટે, રમતવીરો અને કોચ વગેરેને સાંજે 7 વાગ્યે સ્ટેડિયમમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ખિરવાર અને દુગ્ગાના કહેવા પર એથ્લેટ્સ અને કોચને પણ હેરાન કરવામાં આવ્યા હતા. એથ્લેટ્સ માટે બનાવવામાં આવેલા ટ્રેક પર કપલ કૂતરાને ફેરવતું હતું.

પતિને લદ્દાખ અને પત્નીને અરુણાચલ ટ્રાન્સફર કરાયા હતા

જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે કેન્દ્ર સરકારે તરત જ સંજીવ ખિરવાર અને તેની પત્ની રિંકુ દુગ્ગાની બદલી કરી દીધી. ખિરવારને લદ્દાખ જ્યારે રિંકુ દુગ્ગાને અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યા હતા. ખિરવાર 1994 બેચના અધિકારી છે. તે પછી, ખિરવાર અને દુગ્ગાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સ્ટેડિયમ બંધ થયા પછી જ ત્યાં જતા હતા. કૂતરાને ટ્રેક પર છોડવામાં આવ્યો ન હતો. ખેલાડીઓ અને કોચને હેરાન કરવાની વાત સંપૂર્ણપણે પાયાવિહોણી છે.

    follow whatsapp