Budget 2024: Nirmala Sitharaman ની બજેટ સ્પીચનો ટાઈમ ફરી ઘટ્યો, આ વખતે લીધો માત્ર આટલો સમય

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠું બજેટ રજૂ કર્યું વચગાળાના બજેટ 2024માં 60 મિનિટમાં પૂરું કર્યું ભાષણ Budget 2024:…

gujarattak
follow google news
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠું બજેટ રજૂ કર્યું
  • વચગાળાના બજેટ 2024માં 60 મિનિટમાં પૂરું કર્યું ભાષણ

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ (બજેટ 2024) રજૂ કર્યું. નાણામંત્રીએ આ બજેટમાં સામાન્ય લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરી. નિર્મલા સીતારમણના બજેટ ભાષણ (Nirmala Sitharaman Budget Speech)માં ખાસ જાહેરાતથી લઈને લોકોનું ધ્યાન તેમના બજેટની સ્પીચના સમય પર હતું, કારણ કે નિર્મલા સીતારમણના નામે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ (Longest Budget Speech) વાંચવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

60 મિનિટમાં પૂરું કરી દીધું ભાષણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ વર્ષ 2020માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું, જે એક બોલિવૂડ કરતાં પણ લાંબુ હતું. તેમણે લોકસભામાં 2.42 કલાકનું બજેટ ભાષણ આપ્યું હતું. જોકે, ત્યારથી તેમના બજેટ ભાષણનો સમય ઘટતો રહ્યો અને આજે પણ આ રેકોર્ડ તૂટ્યો નથી. નિર્મલા સીતારમણે મોદી સરકારના વચગાળાના બજેટ 2024માં તેમનું ભાષણ 60 મિનિટમાં પૂરું કર્યું.

2020માં તોડ્યો હતો જસવંતસિંહનો રેકોર્ડ

ગયા વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના આ કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ સામાન્ય બજેટ ભાષણનો સમય 1 કલાક 25 મિનિટનો હતો. નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં તેમને 1 કલાક 31 મિનિટનો સમય લાગ્યો હતો. આ સિવાય વર્ષ 2019માં તેમણે 2 કલાક 07 મિનિટમાં પોતાની બજેટ સ્પીચ પૂર્ણ કરી હતી. નિર્મલા સીતારમણે વર્ષ 2020માં 2 કલાક 42 મિનિટનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચ્યું હતું, તેમણે પૂર્વ નાણામંત્રી જસવંત સિંહનો 2003નો રેકોર્ડ તોડ્યો હતો.

જસવંત સિંહે પણ બનાવ્યો હતો રેકોર્ડ

નિર્મલા સીતારમણ પહેલા જસવંત સિંહે સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 2003માં તત્કાલિન નાણામંત્રી જસવંત સિંહે 2 કલાક 13 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. જસવંત સિંહે સામાન્ય બજેટ રજૂ કરતી વખતે આ રેકોર્ડ બનાવ્યો હતો, જેને 2020માં નિર્મલા સીતારમણે તોડ્યો હતો.

સૌથી વધારે વખત કોણે રજૂ કર્યું બજેટ?

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. અત્યાર સુધીમાં તેમણે નાણામંત્રી તરીકે ભારતનું બજેટ 10 વખત રજૂ કર્યું છે, જે સૌથી વધુ વખત છે. જેમાં આઠ સંપૂર્ણ સામાન્ય બજેટ અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.

    follow whatsapp