BREAKING: મોદી સરનેમ મામલે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી પહેલા પુર્ણેશ મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

નવી દિલ્હી: મોદી સરનેમ પર આપેલા નિવેદનને લઈને સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સજા…

gujarattak
follow google news

નવી દિલ્હી: મોદી સરનેમ પર આપેલા નિવેદનને લઈને સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સજા માફી માટે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નહોતી. એવામાં હવે તેઓ આ સજાના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જાય તે પહેલા જ માનહાનિ કેસમાં ફરિયાદી પુર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

પુર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં શું પીટિશન દાખલ કરી?
મોદી સરનેમ પર રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસમાં ફરિયાદી ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ પીટિશન દાખલ કરી છે. પૂર્ણેશ મોદીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, જો રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે તો તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ કે નિર્દેશ જારી ન કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે ‘મોદી સરનેમ’ બદનક્ષીના કેસમાં દોષિત ઠરેલા રાહુલ ગાંધીને સુરત જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવી હતી
નીચલી અદાલતના નિર્ણયને યોગ્ય ગણાવીને ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધી પરની સજાને રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આ વર્ષે 23 માર્ચે, સુરતની નીચલી અદાલતે 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલીમાં ‘મોદી અટક’ વિશેના ભાષણ માટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે?” તેને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આવું કહીને મોદી અટકના લોકોને બદનામ કર્યા છે. તેમની વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી વિરુદ્ધ કલમ 499, 500 અંતર્ગત માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. પોતાની ફરિયાદમાં પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા સમગ્ર મોદી સમુદાયને કથિત રૂપે એમ કહીને બદલામ કર્યા કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

    follow whatsapp