Ram Nath Kovind: ‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટી બનાવી

One Nation, One Election: મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘One Nation One Election’ પર કમિટી બનાવી છે. કમિટીમાં કોણ-કોણ સદસ્ય હશે તેનું નોટિફિકેશન થોડી…

gujarattak
follow google news

One Nation, One Election: મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘One Nation One Election’ પર કમિટી બનાવી છે. કમિટીમાં કોણ-કોણ સદસ્ય હશે તેનું નોટિફિકેશન થોડી વારમાં જારી થશે. આ નિર્ણય સરકાર દ્વારા 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યાના એક દિવસ બાદ આવ્યો છે, જેનો એજન્ડા ગુપ્ત રાખવામાં આવ્યો છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી

પાછલા કેટલાક વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓને એકસાથે કરાવવાની વાત કરતા આવ્યા છે. હવે તેના પર વિચાર કરવા માટે રામનાથ કોવિંદને જવાબદારી સોંપવાનો નિર્ણય, ચૂંટણી દ્રષ્ટિકોણથી સરકારની ગંભીરતાને દર્શાવે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, આ બાદ આગામી વર્ષે મે-જૂનમાં લોકસભા ચૂટણી થશે.

18થી 22 સપ્ટેમ્બર લોકસભાનું વિશેષ સત્ર

તમને જણાવીએ કે સરકારને 18થી 22 સપ્ટેમ્બર સુધી લોકસભા અને રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે જેમાં 5 બેઠકો થશે. કહેવાઈ રહ્યું છે કે સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) અને મહિલા આરક્ષણ બિલ પણ રજૂ કરી શકે છે.

વન નેશન, વન ઈલેક્શન કમિટી અંગે પ્રતિક્રિયા આપતા શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અનિલ દેસાઈએ કહ્યું, ‘મને મીડિયા દ્વારા માહિતી મળી રહી છે. આવી વાતો ફેલાવવી યોગ્ય નથી. 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, સરકારે જોવું જોઈએ કે દેશની જનતા શું ઈચ્છે છે, તેમનો અભિપ્રાય પણ ધ્યાનમાં રાખવો જોઈએ.

વન નેશન-વન ઇલેક્શનના ફાયદા શું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે વન નેશન, વન ઈલેક્શનની હિમાયત કરી છે. આ બિલના સમર્થન પાછળ સૌથી મોટી દલીલ એ છે કે તેનાથી ચૂંટણીમાં ખર્ચવામાં આવતા કરોડો રૂપિયાની બચત થઈ શકે છે.

પૈસાના બગાડમાં બચત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ વન નેશન-વન ઈલેક્શનની હિમાયત કરી છે. તેની તરફેણમાં કહેવાયું છે કે વન કન્ટ્રી-વન ઈલેક્શન બિલ લાગુ થવાથી દેશમાં દર વર્ષે યોજાતી ચૂંટણી પર ખર્ચવામાં આવતા જંગી નાણાંની બચત થશે. તમને જણાવી દઈએ કે 1951-1952ની લોકસભા ચૂંટણીમાં 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું છે કે, આનાથી દેશના સંસાધનોની બચત થશે અને વિકાસની ગતિ ધીમી નહીં પડે.

વન નેશન, વન ઈલેક્શનથી શું નુકસાન થઈ શકે?

કેન્દ્ર સરકાર ભલે વન નેશન, વન ઈલેક્શનના પક્ષમાં હોય, પરંતુ તેની સામે અનેક જોરદાર દલીલો કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ બિલ લાગુ થાય છે તો કેન્દ્રમાં બેઠેલી પાર્ટીને તેનો એકતરફી ફાયદો મળી શકે છે. જો દેશમાં સત્તા પર બેઠેલા કોઈપણ પક્ષનું સકારાત્મક વાતાવરણ હોય તો તેના કારણે સમગ્ર દેશમાં માત્ર એક જ પક્ષનું શાસન આવી શકે છે, જે ખતરનાક હશે.

રાષ્ટ્રીય-પ્રાદેશિક પક્ષો વચ્ચેના તફાવતો

તેની સામે એક દલીલ એ પણ કહેવામાં આવી રહી છે કે તેનાથી રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વચ્ચે મતભેદ વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વન નેશન, વન ઈલેક્શનથી રાષ્ટ્રીય પક્ષોને મોટો ફાયદો થઈ શકે છે જ્યારે નાના પક્ષોને નુકસાન થવાની સંભાવના છે.

    follow whatsapp