Loksabha Election: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં શાનદાર જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ યથાવત રહે તેવી શક્યતા છે, તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આવા સંકેત મળ્યા છે. સર્વેમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ અને ખાસ કરીને નવું વિપક્ષી ગઠબંધન INDIAનું પ્રદર્શન ખાસ રહેશે નહીં.
ADVERTISEMENT
કેટલી સીટો જીતશે ભાજપ?
ટાઈમ્સ નાઉ ETG સર્વેએ અનુમાન લગાવ્યું છે કે, ભાજપના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે (NDA) 323 સીટો જીતી શકે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે જ 308થી 328 સીટો જીતી શકે છે. જોકે, 2019ની સરખામણીમાં NDAની સીટોમાં થોડો ઘટાડો થઈ શકે છે.
કોંગ્રેસની સ્થિતિ?
સર્વે અનુસાર, 2024ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની ગાડી માત્ર 52થી 72 સીટોની વચ્ચે જ અટકી શકે છે. આ સિવાય INDIA ગઠબંધન ગળ મળીને 163 સીટો જીતી શકે છે. લગભગ 18 પાર્ટીઓએ મળીને ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન બનાવ્યું છે. આમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, જનતા દળ યુનાઇટેડ, શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત ઘણા મોટા પક્ષોનો સામેલ છે.
2019 ચૂંટણીના પરિણામો
2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે 436 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી પાર્ટીએ 303 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો હતો. જ્યારે 421 સીટો પર ચૂંટણી લડનાર કોંગ્રેસ માત્ર 52 સીટો પર જીત મેળવી શકી હતી. ત્યારે NDAએ 350 સીટોનો આંકડો પાર કર્યો હતો અને ભાજપે પોતાના દમ પર જ બહુમતી હાંસલ કરી હતી.
ત્રણ રાજ્યોમાં મોટી જીત
તાજેતરમાં જ ભાજપે મધ્યપ્રદેશની 230 સીટોમાંથી 163, રાજસ્થાનની 199 સીટોમાંથી 115 અને છત્તીસગઢની 90 સીટોમાંથી 54 સીટો જીતી છે. ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પણ ગત ચૂંટણીની સરખામણીમાં ભાજપનો ગ્રાફ વધ્યો અને પાર્ટીએ 2 સીટો જીતી. દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણામાં પણ ભાજપે 8 સીટો પોતાના નામે કરી છે.
ADVERTISEMENT