Lok Sabha Election 2024: દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ લોકસભાની ચૂંટણીને લઈને સુપર એક્ટિવ મોડમાં જવા મળી છે. ભાજપે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. બે દિવસ અગાઉ અમિત શાહ અને જેપી નડ્ડાના અધ્યક્ષ સ્થાને ભાજપની બેઠક યોજાઈ હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત રાજ્યસભા સાથે જોડાયેલા તમામ મોટા દિગ્ગજો લોકસભાની ચૂંટણીના મેદાનમાં જોવા મળશે. પાર્ટીએ આવા મોટાભાગના દિગ્ગજોને તેમના મૂળ રાજ્યોમાંથી જ ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જેપી નડ્ડા તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશથી જ ચૂંટણી લડી શકે છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને રાજ્યસભામાં તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહેલા નડ્ડા માટે આ પહેલી લોકસભા ચૂંટણી હશે.
ADVERTISEMENT
ભાજપની તરફેણમાં સર્જાશે વાતાવરણ
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, રાજ્યસભાના દિગ્ગજોને મેદાનમાં ઉતારવાથી લોકસભાની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં વાતાવરણ સર્જાશે. આવું એટલા માટે કારણ કે વર્તમાન મોદી સરકારમાં ઘણા વરિષ્ઠ મંત્રીઓ રાજ્યસભાના સભ્ય છે. આ મંત્રીઓની સાથે ઘણા વરિષ્ઠ નેતાઓને પહેલા જ તેમની પસંદગીની લોકસભા સીટ જણાવવા માટે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. મોટાભાગના મંત્રીઓ અને સાંસદોએ આ અંગે પાર્ટી નેતૃત્વને જાણ કરી છે.
આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે જેપી નડ્ડાનો કાર્યકાળ
વાસ્તવમાં પાર્ટીએ રાજ્યસભામાં એક નેતાને બે ટર્મથી વધુ કાર્યકાળ ન આપવાની નીતિ બનાવી છે. આ નીતિ હેઠળ મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી ન હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે જો જેપી નડ્ડા લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો તેનાથી આ નીતિ પ્રત્યે સકારાત્મક સંદેશ જશે. નોંધનીય છે કે જેપી નડ્ડાનો રાજ્યસભામાં આ બીજો કાર્યકાળ છે. તેમનો કાર્યકાળ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે.
નવી દિલ્હી માટે ઘણા મંત્રીઓ વ્યક્ત કરી ઈચ્છા
ઘણા મંત્રીઓએ નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમાથી ઘણા હાઈપ્રોફાઈલ મંત્રીઓ પણ છે. જોકે, નેતૃત્વ ઈચ્છે છે કે હાઈપ્રોફાઈલ મંત્રી તેમના મૂળ રાજ્યમાંથી ચૂંટણી લડે. ખાસ કરીને એવા મંત્રીઓ જેમના મૂળ રાજ્યમાં પાર્ટીનું સંગઠન નબળું છે. પાર્ટી નેતૃત્વ માને છે કે આ દિગ્ગજોના તેમના મૂળ રાજ્યમાં લોકસભાની ચૂંટણી લડવાથી પાર્ટીનું સંગઠન મજબૂત થશે.
ADVERTISEMENT