ગોપી મણિયાર ઘાંઘર/અમદાવાદ : કિરણ પટેલના કેસ દિવસેને દિવસે સતત ગુંચવાતો જઇ રહ્યો છે. જો કે હવે આ અંગે એક મોટી ચોંકાવનારી ઘટના GUJARATTAK પાસે આવી પહોંચી છે. ક્રાઇમબ્રાંચના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કિરણની ધરપકડ જમ્મુ કાશ્મીરમાં થતા હડકંપ મચી ગયો હતો. કિરણ પટેલ કોઇ સામાન્ય આરોપી નહી પરંતુ ગુજરાત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓનો રાજદાર હતો. પૂર્વમાં મુખ્યમંત્રી રહી ચુકેલા એક વ્યક્તિ અને તેના પરિવારની ખુબ જ નજીકનો વ્યક્તિ હતો. જો કે તેને ઓળખતા લોકો જાણતા હતા કે, કિરણ પટેલ પોલીસની ઝીંક નહી જીલી શકે અને જો તે કબુલાતો કરવા લાગશે તો ગુજરાત ભાજપના અનેક મંત્રીઓની પોલ ખુલી જશે. જેથી કિરણ પટેલના સમાચાર આવતાની સાથે જ ગુજરાતના અનેક મંત્રીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
ADVERTISEMENT
નેતાઓ કોઇ પણ ભોગે કિરણ પટેલને અહીં લાવવાનો કારસો રચી રહ્યો હતો
નેતાઓએ કોઇ પણ ભોગે કિરણ પટેલને અહી લાવવા માટેનો કારસો રચવા માટે અનેક ઉચ્ચ અધિકારીઓને દોડાવ્યા હતા. જેના પગલે એક સમયે જે જગદીશ ચાવડા (જવાહર ચાવડાના ભાઇ) પોતાનો બંગલો કિરણ પટેલે પચાવી પાડ્યો હોવાની ફરિયાદો કરવા માટે દરદર ભટકવા છતા ફરિયાદ થતી નહોતી. તેને પોલીસ અચાનક શોધવા લાગી હતી. ઉચ્ચ અધિકારીઓ તેમને ફરિયાદ કરવા માટે વિનંતી કરવા લાગ્યા હતા. જો કે જગદીશ ચાવડાએ જણાવ્યું કે, આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત ભાજપના એક પૂર્વ મંત્રીના પુત્રનો પણ હાથ છે તેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરો તો હું ફરિયાદી બનવા તૈયાર છું. જો કે ક્રાઇમબ્રાંચના અધિકારીઓ તે રાજનેતાના ઇશારે જ ફરિયાદ કરવા માટે તલપાપડ હતા તેથી તેના જ પુત્રનું નામ ફરિયાદમાં દાખલ કરી શકે તેમ નહોતા. જેથી વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો કે, આગળ તપાસ દરમિયાન તેનું નામ પણ ઉમેરી દેવામાં આવશે.
જમ્મુ કાશ્મીર પોલીસ સામે કોઇ કબુલાત કરે તો રાજનેતાઓની મુશ્કેલી વધી શકે
પોલીસ અધિકારીઓ હાલ ફરિયાદ દાખલ કરવાની ઉતાવળમાં હતા કારણ કે જો કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ કબુલાત કરે તો ભાજપના અનેક ઉચ્ચ નેતાઓની નૈયા મઝધારે ડુબી જાય તેવી શક્યતા હતી. જેથી તત્કાલ ક્રાઇમબ્રાંચે ફરિયાદ મળતાની સાથે જ જમ્મુ કાશ્મીર માટે તત્પરતાથી ટીમ રવાના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ક્રાઇમબ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીર ગઇ હતી પરંતુ ફરિયાદ નહી હોવાના કારણે જમ્મુ કાશ્મીર પોલીસે કિરણને સોંપાવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે ફરિયાદ દાખલ થયા બાદ ક્રાઇમબ્રાંચ સમગ્ર વરઘોડો લઇને કાશ્મીર પહોંચી હતી અને વરરાજા સહિત પરત ફરી હતી.
કિરણ પટેલ ગુજરાત આવ્યા બાદ અનેક નેતાઓના જીવમાં જીવ આવ્યો
વરઘોડો ગુજરાત આવ્યા બાદ અનેક મંત્રીઓનાં જીવમાં જીવ આવ્યો હતો. અનેક નેતાઓના જેમાં ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે તેમના રહસ્યો ઉઘાડા પડતા પડતા રહી ગયા હતા. આ તમામ મંત્રીઓએ સહેજમાં બચી ગયાનો અનુભવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ કેસમાં મુખ્યમંત્રી કાર્યાલયના એક ઉચ્ચ અધિકારીએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. જો કે કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં વધારે રહ્યો હોત તો અનેક મંત્રીઓની રાજકીય કારકિર્દી જ ખતમ થઇ જાય તેવી શક્યતા હતી. હવે અહીં કિરણ પટેલ સાથે ગુજરાત પોલીસ ચલક ચલાણુ રમ્યા કરશે અને કોઇના રહસ્યો છતા નહી થાય અને ગુજરાત ફરી એકવાર સબસલામતની સોડ તાણીને સુઇ જશે.
કોઇ જોખમ લેવા ન માંગતા નેતાઓએ તેની પત્નીને પણ આરોપી બનાવી
બીજી તરફ રાજનેતાઓને આશંકા હતી કે તેની પત્ની પણ ઘણું જાણતી હોઇ શકે છે. તેમાં પણ તેની પત્નીએ જ્યારે મીડિયામાં જણાવ્યું કે, તેને ફસાવવામાં આવી રહ્યો છે ત્યારથી નેતાઓની આશંકા પ્રબળ બની હતી. જેથી નેતાઓ હવે કોઇ જોખમ લેવા માંગતા ન હોવાથી તેની પત્ની માલિની પટેલને પણ સહ આરોપી બનાવીને તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
ADVERTISEMENT