બિહાર: બિહાર ભાજપના પ્રવક્તા વિનોદ શર્માએ મણિપુરમાં હિંસા અને મહિલાઓ સાથે બર્બરતાની ઘટનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપના નેતાએ તેમના રાજીનામા પાછળ મણિપુરની હિંસાને કારણ ગણાવ્યું છે. વિનોદ શર્માએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર મોકલ્યો છે. આ રાજીનામા બાદ જેડીયુએ કટાક્ષ કરતા કહ્યું કે હવે ભાજપના નેતાઓ પણ તેમની સરકારથી શરમ અનુભવી રહ્યા છે.
ADVERTISEMENT
રાજીનામાને લઈને પટનામાં એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મણિપુરમાં છોકરીઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવામાં આવી, જેના કારણે ભારત આખી દુનિયામાં કલંકિત અનુભવી રહ્યું છે. આ માટે મણિપુરમાં ભાજપના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ જવાબદાર છે. તેમનો બચાવ કરનારા પીએમ નરેન્દ્ર મોદી પણ એટલા જ જવાબદાર છે. વિનોદ શર્માનું કહેવું છે કે આ ઘટના પર તેમને આત્મગ્લાનિ થઈ અને પોતે કલંક અનુભવી રહ્યા છે, તેથી તેઓ ભાજપ અને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે.
રાજીનામા પત્રમાં શું લખ્યું હતું?
ભાજપ પ્રવક્તા અને મીડિયા પેનલિસ્ટ વિનોદ શર્માએ લખ્યું કે 80 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું રાષ્ટ્રપ્રેમ, બેટી બચાઓ અને ભારતીય સનાતન સંસ્કૃતિને બચાવવાનો ઢોંગ કરનારી ભાજપમાં કાર્ય કરીને કલંકિત અનુભવી રહ્યો છું. જો વડાપ્રધાન મોદીમાં થોડીક પણ માનવતા હોત તો તેઓ તાત્કાલિક મુખ્યમંત્રી બિરેન સિંહને હટાવી દેત અથવા તો પોતે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેત. તેથી, આપને વિનંતી છે કે મારું રાજીનામું તાત્કાલિક સ્વીકારો.
વિનોદ શર્માનું આગળનું પગલું શું હશે?
વિનોદ શર્માએ ભાજપ છોડી દીધું છે પરંતુ તેમણે હાલના તબક્કે આગળના પગલા વિશે કંઈ જણાવ્યું નથી. તે કઈ પાર્ટી સાથે જશે તેની રાહ જોવી પડશે. જણાવી દઈએ કે વિનોદ શર્મા બિહાર બીજેપીના મુખ્ય પેનલના સભ્યોમાંથી એક હતા. તેઓ વાદવિવાદમાં અવાજ ઉઠાવીને પક્ષનો બચાવ કરતા હતા.
ADVERTISEMENT