દિલ્હીઃ બિલકિસ બાને કેસના દોષિતોને મુક્ત કરાતા એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રિમ કોર્ટ ગુરુવારે સુનાવણી હાથ ધરશે. ચીફ જસ્ટિસ એન વી રમણા, જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે. ગુજરાત સરકારના આદેશને રદ કરવા માટે સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રૂપરેખા વર્મા અને પત્રકાર રેવતી લાલે માગ કરી છે. આ 11 દોષિતો બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરવાના કેસમાં 15 વર્ષમાં જેલમાં હતા. પરંતુ ગુજરાત સરકારે આ દોષિતોને રાજ્યમાં લાગૂ માફી નીતિ અંતર્ગત 15 ઓગસ્ટે છોડી મૂકાયા હતા.
ADVERTISEMENT
બિલકિસ બાનોએ દોષિતો મુક્ત થયા પછી શું કહ્યું..
ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને મુક્ત કરાતા બિલકિસ બાનોએ કહ્યું કે 15 ઓગસ્ટ 2022નો એ દિવસ હું ક્યારેય ભૂલી શકું એમ નથી. આ દિવસ મને 20 વર્ષ અગાઉ જે ઘટના ઘટી હતી એની યાદ અપાવે છે. મેં જ્યારથી સાંભળ્યું છે કે જે 11 આરોપીઓએ મારા પરિવાર અને મારા જીવનને બરબાદ કર્યું એની સજા માફ થઈ ગઈ છે. ત્યારથી હું ઘણી દુઃખી છું. આ લોકોએ મારી ત્રણ વર્ષની દીકરી છીનવી લીધી હતી, મારો પરિવાર બરબાદ કરી દીધો હતો. તેમને હવે માફ કરી દેવાયા છે. હું ઘણી હેરાન છું.
શું છે સમગ્ર મામલો…
ગુજરાતમાં ગોધરા કાંડ પછી ત્રણ માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા. આ દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન આ ભીડે બિલકિસ બાનો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી દીધી હતી. આ ઘટના દરમિયાન બિલકિસ ગર્ભવતી હતી. જોકે સમગ્ર ઘટનામાં તેના પરિવારના 6 સભ્યો જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2004માં દુષ્કર્મના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT