અમદાવાદઃ ભારત દેશના સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને મહિલાઓના સન્માનને જાળવી રાખવાની વાત કરી હતી. આ જ દિવસે બિલકિસ બાનો ગેંગરેપ કેસના આરોપીઓ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા હતા. ગુજરાત સરકારની પેનલે વડાપ્રધાનનાં સંબોધનનું ઉલ્લંઘન કરતા નિર્ણયમાં બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 આરોપીઓની માફી અરજીને સ્વીકારી લીધી હતી. નોંધનીય છે કે આરોપીઓ સામે બળાત્કાર ઉપરાંત બિલકિસના 3 વર્ષના બાળકની હત્યા તથા 13 અન્ય લોકોને મોતને ઘાટ ઉતારવાના ગુનામાં દોષી સાબિત થયા હતા.
ADVERTISEMENT
મહિલાઓનું અપમાન થતા હું જોઈ નથી શકતો- વડાપ્રધાન મોદી
આઝાદીના 75 વર્ષ પૂરા થયા એની ઉજવણીમાં મગ્ન છે. આ દરમિયાન નારી શક્તિના સન્માન અને ગૌરવની વાત કરતા સમયે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું અત્યારે તમારા બધાની સમક્ષ મારા દિલની પીડાનું વર્ણન કરીશ. હું જાણું છું કે આ લાલ કિલ્લાનો વિષય ન હોઈ શકે. પરંતુ મારા અંદર દર્દ છલકાઈ રહ્યું છે. અત્યારે ઘણા લોકોમાં એક વિકૃતી આવી ગઈ છે, તેમના બોલવા ચાલવામાં શબ્દોમાં..નારીનું અપમાન કરવાની. શું આપણે રોજિંદા જીવનમાં નારીનું અપમાન ન કરવાની સાથે સન્માન જાળવવાનો સંકલ્પ લઈ શકીએ છીએ! નારીનું ગૌરવ જળવાયેલું રહેશે તો પોતાના સપના પૂરા કરવામાં આ મોટુ રોકાણ બનીને રહેશે.
શું હતો સમગ્ર મામલો?
- વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો.
- દાહોદ પાસે રણધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી.
- બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો.
- આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
18 વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓ
ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે ગેંગ રેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી બાદ 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે બાદથી તમામ કેદીઓ જેલમાં બંધ હતો. તાજેતરમાં આ 11 કેદીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. ત્યારે 15મી ઓગસ્ટના દિવસે રાજ્ય સરકારે તમામ 11 કેદીઓને મુક્ત કરવા માટે હુકમ કરતા તેમને ગોધરાની સબજેલમાંથી છોડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT