નવી દિલ્હી : ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં ચાલી રહેલા પૂર્ણ સત્ર દરમિયાન માનવાધિકાર, લોકશાહી અને કાયદાના શાસનના ઉલ્લંઘનના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન મણિપુરમાં વંશીય અથડામણો પણ ચર્ચા માટે આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાત વચ્ચે યુરોપિયન સંસદે બુધવારે મણિપુર હિંસા પર એક ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, યુરોપિયન યુનિયન ભાજપ પક્ષના અગ્રણી સભ્યો દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રવાદી રેટરિકને સખત શબ્દોમાં વખોડે છે. જેના પર ભારત સરકારે જવાબ આપ્યો છે કે આ સંપૂર્ણ રીતે આંતરિક મામલો છે.
ADVERTISEMENT
ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં ચાલી રહેલા પૂર્ણ સત્ર દરમિયાન માનવ અધિકાર, લોકશાહી અને કાયદાના શાસનના ઉલ્લંઘનના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન મણિપુરમાં વંશીય અથડામણો પણ ચર્ચા માટે આવી હતી. મણિપુર હિંસા પર ચર્ચા બે દિવસ અગાઉ સંસદના એજન્ડામાં સામેલ કરવામાં આવી હતી. પૂર્વોત્તર ભારતીય રાજ્યમાં ‘મણિપુરની સ્થિતિ’ પર ચર્ચા દરમિયાન, ઠરાવમાં યુરોપિયન યુનિયનને ભારત સાથેના તેના સંબંધોના કેન્દ્રમાં માનવાધિકાર અને લોકતાંત્રિક મૂલ્યો રાખવાની હાકલ કરવામાં આવી હતી.
સંજોગોની આકરી ટીકા
મણિપુરમાં હિંસા, જાનહાનિ અને સંપત્તિના વિનાશની નિંદા કરતા, યુરોપિયન યુનિયન સંસદે તેના ઠરાવમાં કહ્યું કે તે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી સભ્યો દ્વારા રાષ્ટ્રવાદી રેટરિકને સખત શબ્દોમાં વખોડે છે. જો કે ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો છે. EU સંસદે દેશની પરિસ્થિતિઓની તીવ્ર ટીકા કરી છે અને કહ્યું છે કે “લઘુમતીઓ, નાગરિક સમાજ, માનવ અધિકારના રક્ષકો અને પત્રકારો નિયમિતપણે ઉત્પીડનનો સામનો કરે છે. ખાસ કરીને મહિલાઓને જાતીય હિંસા અને ઉત્પીડનનો સામનો કરવો પડે છે. આદિવાસી અને ધાર્મિક પૃષ્ઠભૂમિના લોકો ગંભીર પડકારો અને તેમના અધિકારોના ઉલ્લંઘનનો સામનો કરે છે.
ઠરાવમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો કે, ઓક્ટોબર 2020 માં માનવ અધિકાર માટેના સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્તે ભારતને માનવાધિકાર રક્ષકોના અધિકારોનું રક્ષણ કરવા અપીલ કરી હતી. તેણે નાગરિક સમાજ માટે ઘટતી જતી જગ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને માનવાધિકાર સંગઠનો દ્વારા ભાજપ સામે વિભાજનકારી વંશીય-રાષ્ટ્રવાદી નીતિઓના આરોપોની નોંધ લીધી છે. EU સંસદે ભારત અને સ્થાનિક સત્તાવાળાઓને રાજકીય નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનોને રોકવા, અસરગ્રસ્તોને અવિરત માનવતાવાદી સહાયની મંજૂરી આપવા અને સ્વતંત્ર મોનિટર્સને તપાસ કરવાની મંજૂરી આપવા હાકલ કરી હતી.
ભારતે તેને આંતરિક મામલો ગણાવ્યો
મણિપુરની સ્થિતિ પર યુરોપિયન સંસદ (EU) માં નિર્ધારિત ચર્ચાના એક દિવસ પહેલા, ભારતે બુધવારે કહ્યું કે તે કાયદા ઘડનારાઓને સ્પષ્ટ કહેવા માંગીશું કે, આ સંપૂર્ણપણે અમારો આંતરિક મામલો છે. બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન સંસદમાં મણિપુરની સ્થિતિ અંગેનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે EUમાં સંબંધિત સંસદસભ્યોને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે. મણિપુરમાં લગભગ બે મહિનાથી હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે. વિરોધ પક્ષોએ સરકાર પર તેને અંકુશમાં લેવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. આ અંગેના પ્રશ્નના જવાબમાં ક્વાત્રાએ કહ્યું હતું કે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનની સંસદમાં શું ચાલી રહ્યું છે તેનાથી અમે વાકેફ છીએ. “તે સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે,” તેમણે કહ્યું.
ADVERTISEMENT