નવી દિલ્હી : ઓડિશામાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. ત્યાં સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. NDRF દુર્ઘટના સ્થળે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. દરમિયાન, ઓડિશાના મુખ્ય સચિવે જણાવ્યું છે કે બે ટ્રેનો વચ્ચે નહીં પરંતુ ત્રણ ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. ઓડિશાના બાલાસોરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ સંયુક્ત રીતે બચાવ કાર્ય ચલાવી રહી છે. આ ટ્રેન દુર્ઘટના શુક્રવારે સાંજે થઈ હતી. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી.
ADVERTISEMENT
જો કે હવે ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ દુર્ઘટના વિશે ઘણી માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં કુલ 3 ટ્રેનો સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસની 7 બોગીને નુકસાન થયું છે. એવું લાગે છે કે મૃત્યુઆંક વધશે. રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરીએ દુર્ઘટના વિશે જણાવ્યું કે પહેલા હાવડા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ અને પછી પાછળથી કોરોમંડલ એક્સપ્રેસ આવી હતી. જેના કારણે અકસ્માત વધુ ભયાનક બન્યો.બાલાસોર મેડિકલ કોલેજમાં 10 મુસાફરોને દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ થયેલા 132 મુસાફરોને સોરો સીએચસી, ગોપાલપુર સીએચસી અને ખંટાપાડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ રૂટ પરની તમામ ટ્રેનો અટકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત 32 લોકોની સધન સારવાર ચાલી રહી છે. NDRF ટીમને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે લોકોને હોસ્પિટલ ખસેડવા માટે લગભગ 50 કરતા વધારે એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે, પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. તેથી જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો પણ ઉભી રાખવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે સતત સ્થાનિક તંત્ર અને કેન્દ્રીય તંત્ર પ્રયાસરત્ત છે. તે જ સમયે, બાલાસોર કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે ઘટનાસ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT