FedEx Courier Scam: ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઠગો લોકોને છેતરવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે, પરંતુ આ દિવસોમાં પાર્સલ સ્કેમના બનાવમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રકારના સ્કેમમાં ઠગો લોકોને ફેક પાર્સલના નામે ધમકાવે છે અને તેમની પાસેથી પૈસા પડાવે છે. તાજેતરમાં આવો જ એક મામલો બેંગલુરુમાંથી સામે આવ્યો છે.
ADVERTISEMENT
2 કરોડ રૂપિયા લૂંટી લીધા
અહીં સ્કેમર્સે એક શખ્સ પાસેથી FedEx કુરિયર સ્કેમ (FedEx Courier Scam)માં લગભગ 2 કરોડ રૂપિયા લૂંટી લીધા છે. આવા સ્કેમ કોઈ એક શહેર પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં જોવા મળે છે. આવા સ્કેમમાં ઠગો પહેલા જે-તે લોકોને ફોન કરે છે અને કહે છે કે તેમના નામે એક પાર્સલ વિદેશથી આવ્યું છે, જેમાં ગેરકાયદેસર સામગ્રી છે.
લાખો રૂપિયાની કરે છે માંગ
ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે આ પાર્સલ સાથે તમારું આધાર કાર્ડ મળ્યું છે. આ પછી સ્કેમર્સ કોઈ નકલી સાયબર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસરની ઓળખ આપીને વાત કરે છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિને હાઉસ એરેસ્ટ (ડિજિટલ એરેસ્ટ) પણ કરવામાં આવે છે. જ્યારે યુઝર્સ આનાથી પરેશાન થવા લાગે છે ત્યારે આ સ્કેમર્સ મામલો રફાદફા કરવાના નામે લાખો રૂપિયા વસૂલે છે.
બેંગલુરુ સ્કેમમાં શું થયું?
બેંગલુરુ સ્કેમનો કેસ 2 ડિસેમ્બરનો છે અને પીડિતની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પીડિતને કોઈએ FedEx કુરિયર માટે કૉલ કર્યો હતો. સ્કેમર્સે દાવો કર્યો હતો કે આ પાર્સલ તાઈવાનથી આવ્યું છે, જેમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ પછી સ્કેમરે કહ્યું હતું કે આ કૉલ મુંબઈ પોલીસના સાયબર સેલને ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે.
પૈસા આપવા તૈયાર થઈ જાય છે પીડિત
આ કોલને એક શખ્સને ફોરવર્ડ કરવામાં આવ્યો, જેણે પોતાની ઓળખ મુંબઈ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. ફેક ઓફિસરે પીડિતને કહ્યું કે તેમના નામે એક પેકેજ આવ્યું છે અને આ મની લોન્ડરિંગનો મામલો છે. આ પછી પીડિત તેમને પૈસા આપવા તૈયાર થઈ જાય છે.
કરોડો રૂપિયા લૂંટી લીધા
તેઓએ પીડિતને બે દિવસ માટે Skype કોલ પર રાખ્યો અને તેની પત્નીને બીજા કોલ પર વ્યસ્ત રાખી. આ સમગ્ર કેસમાં સ્કેમર્સે પીડિત પાસેથી 1.98 કરોડ રૂપિયા લૂંટી લીધા છે.રિપોર્ટ્સનું માનીએ તો એકલા બેંગલુરુમાં જ FedEx કુરિયર જેવા સ્કેમના 163 કેસ નોંધાયા છે. આ તમામ કેસ જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે નોંધાયા છે.
ADVERTISEMENT