આદિવાસી, યાદવ બાદ હવે બ્રાહ્મણ….ત્રણ રાજ્યોમાં નવા ચહેરા…, 2024 માટે ભાજપે તૈયાર કર્યું ‘મિશન’

Mission 2024: ભાજપ હાઈકમાન્ડે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાનમાં પણ નવા અને યુવા ચહેરાને સત્તાના કેન્દ્રમાં બેસાડીને ત્રણેય રાજ્યોમાં નવી પેઢીને કમાન સોંપી દીધી…

gujarattak
follow google news

Mission 2024: ભાજપ હાઈકમાન્ડે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાનમાં પણ નવા અને યુવા ચહેરાને સત્તાના કેન્દ્રમાં બેસાડીને ત્રણેય રાજ્યોમાં નવી પેઢીને કમાન સોંપી દીધી છે. બે દાયકા બાદ ત્રણેય રાજ્યોમાં નવી રાજકીય પેઢી નેતૃત્વ સંભાળવા જઈ રહી છે. શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને રમણસિંહની જગ્યાએ મોહન યાદવ, ભજનલાલ શર્મા અને વિષ્ણુદેવ સાય સત્તાના કેન્દ્રમાં હશે. રાજસ્થાનમાં પહેલીવાર ધારાસભ્ય બનનાર ભજનલાલ શર્મા મુખ્યમંત્રી હશે, જ્યારે રાજવી પરિવારના દીયા કુમારી અને દલિત સમુદાયમાંથી આવતા પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી હશે. વરિષ્ઠ નેતા વાસુદેવ દેવનાની સ્પીકરની જવાબદારી સંભાળશે. ત્રણેય રાજ્યોની સમગ્ર કવાયતમાં સામાજિક સમીકરણોને નવો આયામ આપવામાં આવ્યો છે.

લોકસભાની રણનીતિ કરાઈ મજબૂત

ભાજપે આ મોટા નિર્ણયોથી ત્રણ રાજ્યોમાં નેતૃત્વ પરિવર્તનની સાથે લોકસભાની રણનીતિને પણ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. બ્રાહ્મણો, રાજપૂતો, આદિવાસીઓ, ઓબીસી (યાદવ) અને દલિતોને સંદેશ આપવામાં આવ્યો છે કે ભાજપ સર્વસ્પર્શી અને સર્વસમુદાયનો પક્ષ છે. અન્ય સમુદાયોને રાજ્યોના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. નવા નેતૃત્વના આવવાથી લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં સત્તા વિરોધી માહોલ પણ નહીં બને.

સંગઠન સાથે જોડાયેલા છે નવા ચહેરાઓ

ભાજપના મજબૂત ગઢો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મોદીની ગેરંટી પર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપે પણ મોદીના મિશન 2024 માટે પોતાની નવી રણનીતિ પર મહોર લગાવી દીધી. ત્રણેય રાજ્યોમાં બે દાયકાના ક્ષત્રપોંની જગ્યાએ નવી પેઢી અને યુવા ચહેરાઓને સત્તાની કમાન સોંપી છે. શિવરાજસિંહ, વસુંધરા રાજે અને રમણસિંહના ઉત્તરાધિકારીઓ નક્કી કરવામાં સામાજિક સંતુલન પણ સાધવામાં આવ્યું છે અને સંગઠનની રીતિ-નીતિનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા નેતા સંઘ અને વિદ્યાર્થી પરિષદની રાજનીતિમાંથી ઉભરીને સત્તાના રાજકારણના ટોચ સ્થાન સુધી પહોંચ્યા છે.

1+2 ફોર્મ્યુલા અપનાવાઈ

ત્રણેય રાજ્યોમાં ભાજપે વન પ્લસ ટુ ફોર્મ્યુલા એટલે કે એક મુખ્યમંત્રી અને બે મુખ્યમંત્રી બનાવીને રાજ્યોની રાજનીતિને સાધવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સરકાર છે. આનાથી પાર્ટી એક સાથે અનેક સામાજિક વર્ગોને સાધે છે અને તેનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરે છે. મોટા અને મજબૂત નેતાઓને હટાવીને નવા અને યુવા નેતૃત્વવાળી સરકારોને મજબૂત કરવા વન પ્લસ ટુની ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવી છે.

સામાજિક અને રાજકીય સમીકરણો

ત્રણેય રાજ્યોમાં સાધવામાં આવલા સામાજિક અને રાજકીય સમીકરણોમાં પાર્ટીએ એક આદિવાસી, એક ઓબીસી અને બ્રાહ્મણ એટલે કે જનરલ કેટેગરીના નેતાને મુખ્યમંત્રી બનાવ્યા છે. દેશમાં લગભગ 5 ટકા વસ્તી, પરંતુ પ્રભાવશાળી ભૂમિકા ભજવતા બ્રાહ્મણ સમુદાયને એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીના પદ મળ્યા છે. ત્રણેય રાજ્યોમાં સત્તાના ટોચના ક્રમમાં તેમની મોટી ભૂમિકા રહેશે. રાજપૂત સમુદાયના પણ ત્રણ ચેહરા, બે વિધાનસભા અધ્યક્ષ અને એક નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ઓબીસીમાંથી એક મુખ્યમંત્રી અને એક નાયબ મુખ્યમંત્રી અને દલિત સમુદાયમાંથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં જયપુરનો દબદબો

રાજસ્થાનમાં ભાજપે ભલે સામાજિક સંતુલન સાધ્યું હોય, પરંતુ પ્રાદેશિક અસંતુલન દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રી જયપુર જિલ્લાની બેઠકો પરથી ધારાસભ્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ભરતપુરથી છે, પરંતુ પહેલીવાર જયપુરની સાંગાનેર સીટથી ધારાસભ્ય બનવાની સાથે સાથે તેઓ મુખ્યમંત્રી પણ બન્યા છે. નાયબ મુખ્યમંત્રી દિયાસિંહ જયપુરના વિદ્યાધર નગર અને પ્રેમચંદ બૈરવા ડુડુના ધારાસભ્ય છે. વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની અજમેરથી ધારાસભ્ય છે.

ત્રણ દાયકા બાદ બ્રાહ્મણ મુક્યમંત્રી

રાજસ્થાનમાં ત્રણ દાયકા પછી એક બ્રાહ્મણ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલા કોંગ્રેસના હરિદેવ જોશી મુખ્યમંત્રી હતા. રાજસ્થાનમાં લગભગ 8 ટકા બ્રાહ્મણો છે. 19 બ્રાહ્મણ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી દસ જીત્યા. નવા નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દિયાસિંહ જયપુરના રાજવી પરિવારમાંથી છે. બીજા નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહેલા પ્રેમચંદ બૈરવા દલિત વર્ગમાંથી આવે છે.

    follow whatsapp