અમદાવાદ: દેશભરમાં બાગેશ્વર ધામ સરકાર નામથી જાણીતા બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. વિગતો મુજબ, સુરત અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. જે મુજબ સુરતમાં 26 અને 27 મેના રોજ તો રાજકોટમાં 1લી અને 2જી જૂને આ કાર્યક્રમ યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાતે આવે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.
ADVERTISEMENT
સુરત અને રાજકોટમાં કાર્યક્રમ
વિગતો મુજબ, આગામી 26 અને 27 મેના રોજ સુરતમાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર યોજાશે. લિંબાયતના નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ બાદ રાજકોટમાં આવેલા રેસકોર્સ મેદાનમાં પણ 1લી અને 2જી જૂને બે દિવસીય દિવ્ય દરબાર ભરાશે. જેમાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રી આ પહેલા મહારાષ્ટ્ર અને બિહારમાં પણ પોતાના કાર્યક્રમ કરી ચૂક્યા છે.
અગાઉ પટણામાં ભારે ભીડથી લોકો બેભાન થયા હતા
જેમાં બિહારમાં પટનામાં યોજાયેલા દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ત્યારે ભારે ભીડ અને ગરમીના કારણે લોકોની તબિયત ખરાબ થતા દિવ્ય દરબારને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જોકે કથાને ચાલુ રાખવામાં આવી હતી. કથા દરમિયાન પંડાલમાં ગરમી અને ઓક્સીજનની અછત સર્જાતા કેટલાક લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે કથામાં ઓછી સંખ્યામાં લોકો આવે. ગરમી વધારે છે, આથી ટીવી અને સોશિયલ મીડિયા દ્વારા કથા સાંભળે.
ADVERTISEMENT