Ram Mandirના ગર્ભગૃહમાં સ્થાપિત થશે નવી મૂર્તિ, રામલલ્લાની જૂની મૂર્તિનું શું થશે? જાણો ટ્રસ્ટે શું કહ્યું

Ayodhya Ram Mandir opening ceremony: અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રામલલ્લાની બે મૂર્તિઓ છે, જેમાંથી એક મંદિરના…

gujarattak
follow google news

Ayodhya Ram Mandir opening ceremony: અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રામલલ્લાની બે મૂર્તિઓ છે, જેમાંથી એક મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બીજી મૂર્તિ જે હાલમાં નાના મંદિરમાં રાખવામાં આવી છે, તેની પણ ગર્ભગૃહમાં જ નવી મૂર્તિની સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. નવી મૂર્તિ અચલ મૂર્તિ તરીકે ઓળખાશે, જ્યારે જૂની મૂર્તિ ઉત્સવમૂર્તિના નામથી ઓળખાશે.

અલગ-અલગ મંદિરોમાં લઈ જવાશે ઉત્સવમૂર્તિ

ઉત્સવમૂર્તિને દેશના અલગ-અલગ સિદ્ધ મંદિરોમાં લઈ જવામાં આવશે, આ પછી તેને પણ ગર્ભ ગૃહની અંદર અચલ મૂર્તિની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે. રામલલ્લાની નવી મૂર્તિનું નિર્માણ કામ ત્રણ મૂર્તિકારો ગણેશ ભટ્ટ, અરુણ યોગીરાજ અને સત્યનારાયણ પાંડેને સોંપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં સામેલ થશે.

30 ડિસેમ્બરે એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું લોકાર્પણ

આ પહેલા પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા જઈ રહ્યા છે, જ્યાં તેઓ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને શ્રી રામ ઈન્ટનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. તેઓ એરપોર્ટની નજીક એક જાહેર સભાને પણ સંબોધશે. અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી અયોધ્યામાં એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી રોડ શૉ કરશે.

ભાજપ ચલાવશે અભિયાન

ભારતીય રેલવેએ રામ મંદિરના લોકાર્પણ બાદ પ્રથમ 100 દિવસ દરમિયાન અયોધ્યા આવતા નાગરિકોની સુવિધા માટે દેશના વિવિધ ભાગોમાંથી 1000થી વધુ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ભાજપે 1 જાન્યુઆરીથી રામ મંદિર ઉત્સવ માટે એક અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે, જેમાં પાર્ટીના કાર્યકર્તા દેશભરના તમામ ગામડાઓમાં ઘરે-ઘરે જશે અને 10 કરોડ પરિવારોને ‘એક દિયા રામ મંદિર કે નામ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.

16 જાન્યુઆરીથી શરૂ થશે વૈદિક વિધિ

પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થશે. પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય અનુષ્ઠાન ગણેશ્વર શાસ્ત્રી દ્વવિડ અને લક્ષ્મીકાંત દીક્ષિત દ્વારા કરવામાં આવશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોની ભારે ભીડની ઉમટે તેવી આશંકા છે. જેથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. અયોધ્યામાં CISF, UPSSF અને UP પોલીસની ત્રિસ્તરીય સુરક્ષા જોવા મળશે.

    follow whatsapp