ગંગટોક: સિક્કિમના સોમગોમાં હિમસ્ખલનથી 6 લોકોના મોત થયા છે. આ બરફના તોફાનના કારણે ટૂરિસ્ટ બસ ખાઈમાં પડી હતી અને 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આમાં એક બાળક પણ સામેલ હોવાનું કહેવાય છે. હાલ 150 લોકો બરફ નીચે ફસાયેલા છે. 22 લોકોને બચાવવામાં સફળતા મળી છે. ઘટના બપોરે 12.20 વાગ્યે બની હતી અને ઘટનામાં કેટલાક ગુજરાતીઓ પણ હોવાની સંભાવના છે.
ADVERTISEMENT
બરફનું તોફાન આવતા ટુરિસ્ટ બસ બેકાબૂ બનીને ખાઈમાં ખાબકી
એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે ત્સોમગોમાં જોરદાર બરફનું તોફાન આવ્યું હતું. તે વાવાઝોડાને કારણે એક ટુરિસ્ટ બસ બેકાબૂ બનીને સીધી ખાડીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચિંતાનો વિષય છે કે હજુ પણ 150 લોકો બરફ નીચે ફસાયેલા છે. સિક્કિમ પોલીસની સાથે સ્થાનિક લોકોએ જમીન પર બચાવ કાર્ય શરૂ કર્યું છે. ઘણા લોકો હજુ પણ ઘાયલ છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે.
અગાઉ જાન્યુઆરીમાં લદ્દાખમાં બે છોકરીઓના મોત થયા હતા
આ પહેલા જાન્યુઆરીમાં લદ્દાખ ક્ષેત્રના ટંગોલ ગામમાં પણ હિમસ્ખલન થયું હતું. એ તોફાને બે છોકરીઓનો જીવ લીધો. એ જ રીતે, ગયા વર્ષે ઉત્તરકાશીમાં હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી અને 16 લોકોના મોત થયા હતા.
ADVERTISEMENT