ઓન્ટારીયો: કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલો થયો છે. કેનેડાના વિન્ડસરમાં BAPS સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. બે હુમલાખોરોએ મંદિરની અંદર તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દિવાલો પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે શંકાસ્પદ લોકો મંદિર પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. કેનેડાની સ્થાનિક પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આ ઘટના 5 એપ્રિલના રોજ કેનેડાના ઓન્ટેરિયોના વિન્ડસરમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર બની હતી. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં બે શંકાસ્પદ યુવકો મંદિરમાં પ્રવેશતા અને તોડફોડ કરતા જોઈ શકાય છે. વિડિયોમાં એક તોડફોડ કરનાર શકમંદ ઈમારતની દીવાલ પર કંઈક લખતો જોવા મળે છે, જ્યારે અન્ય એક દૂર ઊભેલો જોવા મળે છે.
શંકાસ્પદોની તપાસ ચાલું
ઘટના સમયે શંકાસ્પદ વ્યક્તિએ કાળું સ્વેટર, ડાબા પગ પર સફેદ લોગો ધરાવતું કાળું પેન્ટ અને કાળા અને સફેદ રનિંગ શૂઝ પહેર્યા હતા. બીજા શંકાસ્પદ વ્યક્તિએ કાળું પેન્ટ, સ્વેટશર્ટ, કાળા શૂઝ અને સફેદ મોજાં પહેર્યાં હતાં. સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી છે કે શકમંદોએ દિવાલો પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી ભાષાનો ઉપયોગ કર્યો છે. કેનેડાની સ્થાનિક પોલીસનું કહેવું છે કે તપાસમાં મળેલા વીડિયોમાં બંને યુવકો રાત્રે લગભગ 12 વાગે મંદિર પર હુમલો કરતા જોવા મળ્યા હતા. હાલ પુરાવા એકત્ર કરીને શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે.
જાન્યુઆરીમાં પણ મંદિર પર હુમલો થયો હતો
જણાવી દઈએ કે કેનેડામાં કોઈ હિન્દુ મંદિર પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડામાં આવી જ એક ઘટના બની હતી. કેનેડાના બ્રામ્પટન પ્રાંતમાં હિન્દુઓ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આના પર ભારતીય કોન્સ્યુલેટ જનરલે એક નિવેદન જારી કરીને હુમલાની સખત નિંદા કરી છે.
ADVERTISEMENT