દેહરાદૂન: કેદારનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ અને તેમના સામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા ખચ્ચર અને ઘોડાઓ સાથે અમાનવીય વર્તન અને વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પશુના માલિક દ્વારા ક્યારેક તેમને સીગારેટ પીવડાવતો તો ક્યારેક માર મારતા વીડિયો સામે આવી ચૂક્યા છે. આ વચ્ચે એક દુઃખદ ખબર સામે આવી રહી છે. કેદારનાથ યાત્રા શરૂ થયાને 62 દિવસમાં કુલ 90 જેટલા ખચ્ચર-ઘોડાના મોત થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી રોજના 3 ફેરા
કેદારનાથ ધામ સમુદ્ર સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ત્યાં પહોંચવા માટેની યાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે અહીંથી કેદારનાથ ધામ સુધી પહોંચવા 18 કિલોમીટર ચાલતા જવું પડે છે. કેટલાક શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર બુક કરાવે છે, પરંતુ જેઓ કરાવી શકતા નથી તેઓ ખચ્ચર કે ઘોડા બુક કરાવીને ત્યાં જાય છે. બીજી તરફ ઘોડા-ખચ્ચરના સંચાલકો પણ વધુ કમાણીની લાલચમાં તેમને પૂરતો ઘાસચારો કે આરામ આપતા નથી અને ક્ષમતાથી વધુ કામ કરાવે છે. રોજ આ પ્રાણીઓ પાસે ગૌરીકુંડથી કેદારનાથ સુધી 3 ફેરા કરાવાય છે. એવામાં થાક અને ભૂખના કારણે રસ્તામાં જ તેમના મોત થઈ જાય છે.
6000 ઘોડા-ખચ્ચરને અપાઈ છે મંજૂરી
25 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રામાં પ્રથમ 5000 ઘોડા-ખચ્ચરને ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા ફરીથી રોસ્ટર મુજબ ઘોડા અને ખચ્ચરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ માટે ઘોડા-ખચ્ચરની સંખ્યા વધારીને 6000 કરવામાં આવી હતી.
પ્રાણીઓ માટે ગરમ પાણીની વ્યવસ્થા કરાઈ છે
આ વખતે ગૌરીકુંડથી કેદારનાથ સુધી ઘોડાઓ અને ખચ્ચરોના સફળ સંચાલન, પ્રાણીઓની નિયમિત સંભાળ અને પ્રાણીઓ માટે ગરમ પાણીની નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે વિભાગ દ્વારા બિમાર પશુઓની સારવાર માટે ચાર હંગામી હોસ્પિટલ પણ કાર્યરત કરવામાં આવી છે. હજુ સુધી 90 ઘોડા-ખચ્ચરના મોત થયા છે. અહીં ચીફ વેટરનરી ઓફિસર ડૉ. અશોક કુમારે જણાવ્યું કે, ઘોડા અને ખચ્ચરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT