આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 9નાં મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

Train Accident: આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા છે અને 40થી…

gujarattak
follow google news

Train Accident: આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ 18 મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પીએમ મોદીએ રેલ્વે મંત્રી પાસેથી દુર્ઘટના અંગે માહિતી લીધી છે.

રેલ્વેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળેથી ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે આ બે ટ્રેનો વચ્ચેની ટક્કરનો મામલો છે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે માહિતી આપી હતી કે ટ્રેક સાફ થઈ ગયો છે. વિશાખાપટ્ટનમ-પલાસાથી આગળના 11 કોચને આગળના અલામંદા સ્ટેશન પર ખસેડવામાં આવ્યા છે, જ્યારે વિશાખાપટ્ટનમ-રાયગડાથી આગળના 9 કોચને પાછલા સ્ટેશન કાંતકપલ્લે પર ખસેડવામાં આવ્યા છે. પાટા પરથી ઉતરી ગયેલા અને અસરગ્રસ્ત કોચ સિવાય તમામ કાટમાળ સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યો છે.

બે ટ્રેનની ટક્કર

પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ અનુસાર, વિજયનગરમથી રાયગડા જતી ટ્રેન તે જ રૂટ પર વિશાખાપટ્ટનમથી પલાસા જતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયા બાદ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ આ રેલ્વે દુર્ઘટનામાં બે ટ્રેનો ટકરાઈ છે. રેસ્ક્યુ ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ અને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

મુખ્યમંત્રીએ આદેશ જારી કર્યા

મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમની નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાના આદેશો જારી કર્યા છે. ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તોને સારી સારવાર મળવી જોઈએ – મુખ્યમંત્રી

મુખ્ય પ્રધાને રેલવે સત્તાવાળાઓને આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરીને તાત્કાલિક રાહત પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો.

રેલ્વે મંત્રીએ માહિતી આપી

આંધ્રપ્રદેશમાં થયેલા આ અકસ્માત અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બચાવ કામગીરી ચાલી રહી છે અને ટીમો તૈનાત કરવામાં આવી છે. પીએમ મોદીએ સ્થિતિની સમીક્ષા કરી. મેં આંધ્રપ્રદેશના સીએમ સાથે વાત કરી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

અકસ્માત ક્યારે થયો?

મળતી માહિતી મુજબ, ઈસ્ટ કોસ્ટ રેલ્વે ઝોનના વોલ્ટેર ડિવિઝનના વિજયનગરમ-કોત્તાવલાસા રેલ્વે સેક્શનમાં અલામંદા અને કંટાકાપલ્લે વચ્ચે સાંજે લગભગ 7 વાગ્યે પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનામાં 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ વચ્ચે ટક્કર થઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ટ્રેન દુર્ઘટનાનું સંભવિત કારણ માનવ ભૂલ માનવામાં આવે છે. વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનના પાછળના બે કોચ અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જરના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

મૃતકોના પરિવારજનોને આટલું વળતર મળશે

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા આંધ્રપ્રદેશના મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને અન્ય રાજ્યોમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાનો આદેશ આપ્યો છે.

PMNRF ફંડમાંથી પણ મદદ મળશે

આ સિવાય વડાપ્રધાન કાર્યાલયે PMNRF ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક રકમ આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

    follow whatsapp