આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, કરોડોના કૌભાંડ કેસમાં CIDની મોટી કાર્યવાહી!

Chandrababu Naidu arrested: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુની આંધ્રપ્રદેશ CIDએ ધરપકડ કરી છે. આ દરમિયાન તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો…

gujarattak
follow google news

Chandrababu Naidu arrested: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુની આંધ્રપ્રદેશ CIDએ ધરપકડ કરી છે. આ દરમિયાન તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડમાં ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ પહેલા ચંદ્રબાબુ નાયડુએ આશંકા વ્યક્ત કરી હતી કે CID તેમની ધરપકડ કરી શકે છે. તેમને હવે મેડિકલ તપાસ માટે નંદયાલ હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા છે, આ બાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

પોલીસ તૈયારીઓ સાથે આવી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, આંધ્રપ્રદેશ પોલીસ રાત્રે જ તે સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ચંદ્રબાબુ રોકાયા હતા. સવારે 3 વાગ્યાની આસપાસ પોલીસે નાયડુની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેમને ટીડીપી કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, SPGએ પણ નિયમોને ટાંકીને સાંજે 5:30 વાગ્યે આવવાનું કહ્યું હતું. જે બાદ વહેલી સવારે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન ટીડીપી કાર્યકર્તાઓને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને કહેવાય છે કે તેમની યુટ્યુબ ચેનલનું લાઈવ પ્રસારણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

મામલો શું છે?

સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડ અંગે પ્રથમ માહિતી અહેવાલ એટલે કે 2021માં FIR નોંધવામાં આવી હતી. નાયડુ સામે લગાવવામાં આવેલી કલમો બિનજામીનપાત્ર છે. ચંદ્રબાબુ નાયડુને આ કેસમાં આરોપી નંબર વન તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ એ તપાસ પ્રક્રિયાનો પ્રારંભિક તબક્કો છે અને 24 કલાકમાં રિમાન્ડ રિપોર્ટમાં તમામ વિગતો પૂરી પાડવામાં આવશે.

મંત્રીઓએ આગાહી કરી હતી

આંધ્ર પ્રદેશના પ્રધાનો અને સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના નેતાઓએ ગુરુવારે આગાહી કરી હતી કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુની રૂ. 250 કરોડથી વધુનું કૌભાંડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે નાયડુને સંભવતઃ સમજાયું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે અને તેથી 6 સપ્ટેમ્બરે નિવેદન આપ્યું હતું કે તેમને એક-બે દિવસમાં કસ્ટડીમાં લેવામાં આવી શકે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટીડીપી નેતાઓ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે નાટક કરી રહ્યા છે.

    follow whatsapp