નવી દિલ્હી : શુક્રવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ હવામાં જ મોટા અકસ્માતનો ભોગ બનતા બનતા બચી ગઇ હતી. અધિકારીઓ દ્વારા રવિવારે આ અંગે માહિતી જાહેર કરી હતી. અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ હવામાં હતી તે જ સમયે અચાનક નેપાળ એરલાઈનનું એક વિમાન તેની ખૂબ જ નજીક આવી પહોંચ્યું હતું. જો કે એર ઇન્ડિયાના પાટલોટની સુઝબુઝના કારણે આ દુર્ઘટના ટળી ગઇ હતી. સેંકડો મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ADVERTISEMENT
પ્લેનની વોર્નિંગ સિસ્ટમના કારણે સેંકડો લોકોના જીવ બચ્યા
જો કે પ્લેનમાં લગાવવામાં આવેલી વોર્નિંગ સિસ્ટમના કારણે પાયલોટે તાત્કાલિક કાર્યવાહી કરી જેના કારણે ઘણા મુસાફરોના જીવ બચી ગયા અને મોટી દુર્ઘટના ટળી ગઈ. આ દુર્ઘટનાના સમાચાર પછી નેપાળની નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ દ્વારા (CAAN) ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ત્રણેય એર ટ્રાફિક કંટ્રોલર વિભાગમાં હતા અને તેમની બેદરાકારીના કારણે જ આ દુર્ઘટના બની હતી. વિભાગ દ્વારા તેમના પર બેદરકારીનો આરોપ લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છે. CAANના પ્રવક્તા જન્નાથ નિરુલાએ આ માહિતી આપી છે.
નેપાળ સરકાર દ્વારા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
ઘટના અંગે વિગતે મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે નેપાળ એરલાઈન્સનું A-320 વિમાન કાઠમંડુથી મલેશિયાના કુઆલાલંપુર જઈ રહ્યું હતું. આ દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ કાઠમંડુથી નવી દિલ્હી ખાતે જઈ રહી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ 19000 ફૂટની ઊંચાઈએથી નીચે ઉતરી રહી હતી, તે જ જગ્યાએ નેપાળ એરલાઈન્સની ફ્લાઈટ 15000 ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જ્યારે રડાર પર દેખાયું કે, એક જ એરસ્પેસમાં બે વિમાન ઉડી રહ્યા છે, ત્યારે નેપાળ એરલાઈન્સના વિમાનને 7000 ફૂટ નીચે લાવવામાં આવ્યું. સિવિલ એવિએશન ઓથોરિટીએ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. જેના દ્વારા વિભાગમાં દરેકની પુછપરછ બાદ ત્રણ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. તે સમયે ત્રણ લોકો એર ટ્રાફિક કંટ્રોલિંગનો હવાલો સંભાળી રહ્યા હતા. CAAN એ ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી એર ઈન્ડિયા તરફથી કોઈ અધિકારીક નિવેદન હજી સુધી સામે આવ્યું નથી.
ADVERTISEMENT