ન્યૂઝીલેન્ડ: ન્યૂઝીલેન્ડમાં પહોંચેલા અમૂલના પ્રતિનિધિ મંડળના સભ્યો પર મહિલાની છેડતીના ગંભીર ગુનાઓ નોંધાયા છે. સ્થાનિક દૂધ ઉત્પાદક ફાર્મની મહિલા કર્મચારીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ)ના પ્રતિનિધિમંડળમાં આવેલા બે પુરુષો સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. ન્યૂઝીલેન્ડની સમાચાર સંસ્થા ન્યૂઝ હબના રિપોર્ટ મુજબ આ મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ છેડતીની ઘટના ગત સોમવારે બની હતી.
ADVERTISEMENT
પ્રતિનિધિ મંડળમાં શંકર ચૌધરી-શામળ પટેલ પણ
આ પ્રતિનિધિમંડળમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન હોવાથી તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ પણ ગયા હતા. સાથે જ અમૂલ સાથે સંકળાયેલા અન્ય સહકારી આગેવાનો તથા ફેડરેશનના અધિકારીઓ પણ ન્યૂઝીલેન્ડમાં છે.
અમૂલના એમ.ડીએ ઘટનાનો સ્વીકાર કર્યો
ન્યૂઝ હબના અહેવાલ મુજબ, તેમણે આ મામલે અમૂલના એમ.ડી જયેન મહેતાને પૂછતા તેમણે પણ આ પ્રકારની ફરિયાદ નોંધાઈ હોવાનું સ્વીકાર્યું હતું. જેમાં કહેવાયું છે કે આક્ષેપ કરાયેલ વ્યક્તિઓ ભારતની મોટી ડેરી અમૂલ સાથે સંકળાયેલા સહકારી ક્ષેત્રના હસ્તીઓ છે.
મહિલાની ફરિયાદ મુજબ ભારતીય ડેલિગેશનમાંથી આવેલા બે પુરુષોએ તેને પકડી અને ઈનકાર કરવા છતા તેના ફોટોગ્રાફ લીધા હતા. ઘટના સમયે ન્યૂઝીલેન્ડના કૃષિમંત્રી પણ ત્યાં હાજર હતા જેમણે આ ઘટના ન જોઈ હોવાનું જણાવ્યું હતું. જોકે સ્થાનિક પ્રાથમિક ઉદ્યોગ મંત્રાલયે ઘટનાની માહિતી હોવાનું જણાવ્યું છે. તેમણે પોલીસ તપાસમાં તમામ જરૂરી મદદ કરવા પણ જણાવ્યું છે.
ADVERTISEMENT