અમદાવાદ: બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન આજે કોરોનાથી સંક્રમિત થયા છે. બિગ બીએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને આ માહિતી આપી છે. અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું, “હું થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છું. જે કોઈ મારા સંપર્કમાં આવ્યું છે, કૃપા કરીને તમારી તપાસ કરાવો.” અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 14’ હોસ્ટ કરી રહ્યા છે. આ સાથે જ અમિતાભ બચ્ચન બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. હવે બચ્ચનનો ગુજરાત પ્રવાસ મોકૂફ રહેશે.
ADVERTISEMENT
કૌન બનેગા કરોડપતિ ગેમ શો દરમિયાન અમિતાભ બચ્ચન ઘણા સ્પર્ધકોના સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં તેને કેવી રીતે ચેપ લાગ્યો તે કહેવું મુશ્કેલ છે. ‘KBC 14’ના સેટ પર અમિતાભ બચ્ચન પણ ખૂબ જ સાવધાની રાખતા હતા છતાં તે કોરોના સંક્રમિત થયા છે.
અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન થોડા સમયથી સતત વ્યવસ્ત છે. હાલમાં જ અજય દેવગન ફિલ્મ ‘રનવે 34’માં જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. હવે બચ્ચન રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સને સમયાંતરે અપડેટ્સ આપે છે. અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને કોરોના સંક્રમિત થવાની જાણકારી આપી હતી.
ગુજરાતના પ્રવાસે આવવાના હતા બચ્ચન
ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન આગામી 25 અને 26 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના હતા. અમિતાભ બચ્ચન સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જૂનાગઢ અને ગિરસોમનાથની મુલાકાતે આવવાના હતા ત્યારે હવે કોરોના સંક્રમિત થતાં અમિતાભ બચ્ચનનો ગુજરાત પ્રવાસ મોકૂફ રહી શકે છે.
ADVERTISEMENT