પશ્ચિમ બંગાળઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે CAA કાયદાને લાગૂ કરવા મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રિકોશન ડોઝનું કામ પૂર્ણ થયા પછી નાગરિકતા અધિનિયમ (CAA)ના નિયમો બનાવવામાં આવશે. શાહે મંગળવારે બંગાળના બીજેપી નેતા શુભેંદુ અધિકારી સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. હકીકતમાં, શાહ સાથેની બેઠક દરમિયાન અધિકારીએ વહેલી તકે CAA લાગુ કરવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
બંગાળનાં નેતા સાથે CAA અંગે ખાસ ચર્ચા..
સંસદે ડિસેમ્બર 2019ના દિવસે નાગરિકતા સંશોધન કાયદાને મંજૂરી આપી હતી. તે પછી કોરોના મહામારી આવી, જેના કારણે કાયદાના નિયમો તૈયાર ન થઈ શક્યા. નિયમોના અભાવે કાયદાનો અમલ આજ સુધી થઈ શક્યો નથી. શાહને મળ્યા પછી અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે શિક્ષક ભરતી કૌભાંડમાં સામેલ તૃણમૂલ કોંગ્રેસના લગભગ 100 નેતાઓના નામોની યાદી પણ ગૃહ પ્રધાનને સુપરત કરી છે.
EDએ આ જ કૌભાંડમાં મમતા બેનર્જી સરકારમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી. અધિકારીએ આ મામલે ઝીણવટભરી તપાસ કરવા શાહને માંગ કરી છે. આ યાદીમાં ટીએમસીના ઘણા નેતાઓ અને ધારાસભ્યોના નામ છે, જેમની ભલામણ પર લોકોને લાંચ લઈને નોકરી આપવામાં આવી હતી.
શુભેન્દુ અધિકારીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે લગભગ 45 મિનિટ સુધી મારી મુલાકાત થઈ. આ દરમિયાન મેં તેમને કહ્યું કે કેવી રીતે પશ્ચિમ બંગાળ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં સામેલ છે. શિક્ષક ભરતી કૌભાંડ તેની ઓળખ છે. આ ઉપરાંત તેમણે CAAને વહેલી તકે લાગુ કરવાની માગ પણ કરી હતી.
અમિત શાહ બેંગલુરુની મુલાકાત લેશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારતીય ઉદ્યોગ સંઘ (CII) સંકલ્પથી સિદ્ધિ સંમેલનમાં ભાગ લેવા બુધવારે રાત્રે બેંગલુરુ પહોંચશે. ટૂર શેડ્યૂલ પ્રમાણે અમિત શાહ બુધવારે રાત્રે દિલ્હીથી અહીં પહોંચશે અને ગુરુવારે સવારે 11 વાગ્યે CIIના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ બપોરે 2.30 વાગ્યે દિલ્હી પરત ફરશે.
ADVERTISEMENT