Donald Trump Rally Firing: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી ડિચાર્જ કરી દેવામાં આવ્યા છે. પેન્સિલવેનિયાના બટલરમાં શનિવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર ફાયરિંગ થયું. આ જીવલેણ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા. એક ગોળી ડોનાલ્ડ ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને અડીને નીકળી ગઈ. સિક્રેટ સર્વિસે હુમલાખોરને સ્થળ પર જ ઠાર માર્યો હતો. આ ઘટનામાં રેલીમાં આવેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો
ફાયરિંગની આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભાષણ આપી રહ્યા છે, ત્યારે અચાનક ફાયરિંગ થવા લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના જમણા હાથથી તેમના કાનને ઢાંકે છે અને મંચની પાછળ ઝૂકી જાય છે. સિક્રેટ સર્વિસ એજન્ટો તરત જ તેમની પાસે પહોંચી જાય છે. ટ્રમ્પ મંચની પાછળથી ઉભા થાય છે અને રેલીમાં આવેલા લોકો તરફ મુઠ્ઠી પકડીને હિંમતનો સંદેશ આપે છે. તેના જમણા કાન અને ચહેરા પર લોહી દેખાય છે. આ હુમલા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
મૃતકના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના
તેમણે લખ્યું કે, 'હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું. સૌથી અગત્યનું હું રેલીમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આપણા દેશમાં પણ આવું કૃત્ય થઈ શકે છે તે અવિશ્વસનીય છે.' ટ્રમ્પે કહ્યું કે હાલ હુમલાખોર વિશે કંઈ જ જાણી શકાયું નથી.
હજારો લોકો હતા હાજર
ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના વિશે કહ્યું કે, 'મને એક ગોળી વાગી હતી જે મારા જમણા કાનના ઉપરના ભાગને વીંધીને નીકળી ગઈ હતી.' આપને જણાવી દઈએ કે, જ્યારે ગોળીબાર થયો ત્યારે ટ્રમ્પના હજારો સમર્થકો રેલીમાં હાજર હતા. આ ઘટના અમેરિકન ન્યૂઝ ચેનલો પર લાઈવ ચાલી રહી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત
યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગ્લિએલ્મીના જણાવ્યા અનુસાર, 'યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ હુમલાખોરને ઠાર માર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની તપાસ ચાલી રહી છે અને સિક્રેટ સર્વિસે એફબીઆઈને જાણ કરી છે.'
ADVERTISEMENT