અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા દરેક જાહેર દિવાલો પર રાજકીય પક્ષોએ પોતાના ચિહ્નો બનાવીને દિવાલો ચિતરી નાખી હતી. જ્યાં પણ નજર પડે ત્યાં ભાજપ, કોંગ્રેસ કે AAPના ચિહ્ન તથા સૂત્રો જોવા મળી રહ્યા હતા. જેની ખૂબ ટિકા પણ થઈ હતી. ત્યારે આ દીવાલો પરથી રાજકીય પક્ષોએ કરેલી ચિતરામણ દૂર કરવા પાછળ રૂ. 70 લાખનો ખર્ચ થયો છે.
ADVERTISEMENT
દરેક ઝોનમાં રૂ.10 લાખનું ટેન્ડર બહાર પડાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર દિવાલો પરથી ચીતરામણ દૂર કરવા માટે દરેક ઝોનમાં રૂ.10 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ જો હવે ફરીથી દિવાલો પર રાજકીય પક્ષો દ્વારા કોઈ ચિતરામણ કરવામાં આવશે તો મ્યુનિ. તેમની સામે કાર્યવાહી કરીને દંડ ફટકારશે.
હવે દીવાલો ચીતરનાર રાજકીય પક્ષોને થશે દંડ
ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં દીવાલો તેમજ સરકારી મિકલતો પર ચીતરામણ કરવાની રીતસરની હોડ મચી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં મેટ્રો પિલ્લર, કચેરીની દિવાલો સહિતની તમામ જગ્યાઓ પર કરાયેલા રાજકીય પક્ષોના ચીતરામણને દૂર કરાયું છે. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી રાજકીય પક્ષો જો આ જગ્યાએ ચીતરામણ કરે તો તેમને દંડ કરવાની સાથે આ ચીતરામણ દૂર કરવાનો ખર્ચ પણ વસૂલ કરવામાં આવશે.
ADVERTISEMENT