Ajit Doval Reappointed NSA : અજીત ડોભાલ પર વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ તેમને ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ ડૉ.પી.કે.મિશ્રાને પણ ફરી વડાપ્રધાનના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પીએમ મોદીના 'જેમ્સ બોન્ડ' અને આંખ-કાન કહેવાતા અજીત ડોભાલ 1968 બેચના આઈપીએસ ઓફિસર છે. ડોભાલ જે આઈબીના વડા હતા. તેઓ 31 મે, 2014ના રોજ વડાપ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા હતા.
ADVERTISEMENT
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી ઉચ્ચ સ્તરીય બેઠક
જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓને લઈને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી લીધી. આ દરમિયાન અધિકારીઓએ તેમને આતંકવાદ વિરોધી પ્રયાસો વિશે માહિતી આપી હતી.
સેનાને છૂટો દોર અપાયો
ભારતીય સેનાને છૂટો દોર અપાયો છે. પીએમ મોદીએ બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. બેઠકમાં પીએમએ આતંકવાદ વિરોધી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. આ સિવાય પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે આતંકી હુમલા અંગે વાત કરી હતી. તેમણે ઘાટીમાં સુરક્ષા દળોની તૈનાતી અને એક્શન પ્લાન અંગે પણ માહિતી લીધી હતી. એલજી મનોજ સિન્હાએ પીએમ મોદીને જમ્મુ અને કાશ્મીરની તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી છે અને સ્થાનિક પ્રશાસનના પ્રયાસોની પણ જાણકારી આપી છે.
NSAની પોસ્ટ 1998માં બનાવાઈ હતી
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કરે છે, જેનું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર વડાપ્રધાનને સલાહ આપવાનું છે. NSAની આ પોસ્ટ પહેલીવાર 1998માં બનાવવામાં આવી હતી. જ્યારે દેશમાં બીજી વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરકારમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે.
મોટા મોટા ઓપરેશન ડોભાલના નેતૃત્વમાં પાર પડાયા
ભલે તે 370 હોય, સર્જિકલ સ્ટ્રાઈક હોય, ડોકલામ હોય કે રાજદ્વારી નિર્ણયો હોય, ડોભાલ દેશની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. પુલવામાનો બદલો, જેને પાકિસ્તાન ક્યારેય ભૂલી શકશે નહીં, તે પણ ડોભાલના નેતૃત્વમાં લેવામાં આવ્યો હતો. પુલવામા હુમલાના પખવાડિયાની અંદર પાકિસ્તાનમાં ઘૂસવા અને આતંકવાદીઓને ખતમ કરવાની વાયુસેનાની વ્યૂહરચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવી હતી. વાયુસેના અને નૌકાદળના ટોચના અધિકારીઓ સાથે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દરેક ક્ષણની માહિતી આપવા સુધી તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT