દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણના કારણે દરેક લોકો પરેશાન છે. ઝેરી હવા અને ધુમાડામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ વચ્ચે તબીબો પણ એર પોલ્યૂશનને લઈને સતત ચેતવણી આપી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા દિલ્હી AIIMSમાં ન્યુરો સર્જરીના નિષ્ણાંત ડો. વિપુલ ગુપ્તાએ જણાવ્યું કે, રિસર્ચમાં સામે આવ્યું છે કે, એર પોલ્યૂશનની અસર માત્ર ફેફસાં પર જ નહીં, પરંતુ હૃદય અને મગજ પર પણ પડે છે.
બ્રેઈન અને હાર્ટ સ્ટોકમાં થયો વધારોઃ ડો. ગુપ્તા
ડો. ગુપ્તાએ જણાવ્યું કે, મેડિકલ રિસર્ચ મુજબ એર પોલ્યૂશનની અસરને કારણે હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકમાં પણ વધારો થયો છે. આનાથી બચવા માટે સક્ષમ એર પ્યૂરીફાયર અને માસ્ક લગાવવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, સૌથી વધારે મૃત્યુ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકને કારણે થાય છે. પ્રદૂષણ આપણા શરીરમાં કણોના રૂપમાં પ્રવેશે છે. આ લોહીની નળીઓ સુધી પહોંચે છે, જેના કારણે લોહીની નળીઓની લાઈનિંગ ખરાબ થઈ જાય છે. બ્લડ પ્રેશર અને બ્લોકેજ વધી જાય છે. એવામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. પહેલેથી બીમાર લોકોને પ્રદૂષણથી વધારે ખતરો છે.
10 ટકા વધે છે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમઃ ડો. ગુપ્તા
ડો.ગુપ્તાએ કહ્યું કે, 2015માં WHOએ કહ્યું હતું કે લગભગ 20 ટકા સ્ટ્રોકના કેસ આવી રહ્યા છે. લગભગ 20થી 25 ટકા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. આમાં પ્રદૂષણ પણ એક કારણ છે. આપણે હજુ પણ એર પોલ્યૂશનને ઈગ્નોર કરી રહ્યા છીએ. માત્ર 10 માઈક્રોગ્રામ PM 2.5 વધવાથી જ 10 ટકા સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તાજેતરમાં AQI 700થી ઉપર જઈ રહ્યો છે. આ આપણા શરીર પર ઘણી અસર કરે છે. ઘરની અંદર પણ પ્રદૂષણની અસર રહે છે. જે લોકોને પહેલાથી જ વધુ રિસ્ક છે, તેઓએ સારી ક્વોલિટીના એર પ્યુરીફાયરનો ઉપયોગ કરવો જોઈએ. ઘર બંધ રાખવું જોઈએ. એર પ્યુરિફાયર સ્ટ્રોન્ગ રાખવું જોઈએ.
‘N-95 માસ્ક પહેરો’
ડો.ગુપ્તાએ કહ્યું કે, આપણે સતર્ક અને સજાગ રહેવાની જરૂર છે. N-95 માસ્ક પહેરવાનું રાખો. ઘરો સંપૂર્ણપણે બંધ હોવા જોઈએ. થોડા સમય માટે પણ દરવાજો ખોલવાથી પ્રદૂષણની અસર થાય છે. એર પ્યુરિફાયર પણ સ્ટ્રોન્ગ હોવું જોઈએ. તેની અસર થોડા કલાકો સુધી રહી શકે છે.
‘દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ બ ગયો છે’
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને કારણે લોકો આંખોમાં બળતરા, છાતીમાં બળતરા, ગળામાં ખરાશની ફરિયાદ કરી રહ્યા છે. ઝેરી હવાના કારણે લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. ટેન્કરો દ્વારા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી ધૂળ ઓછી થાય અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સુધરે, પરંતુ આ વ્યવસ્થાઓ અસરકારક સાબિત થઈ રહી નથી. દિલ્હીનો સરેરાશ એક ક્વોલિટી ઈન્ડેક્સ 400થી ઉપર રહે છે.