Goa: 4 વર્ષના પુત્રની હત્યા કરીને AI કંપનીની CEO બેગમાં લાશ લઈને નીકળી, હોટલ સ્ટાફની ચાલાકીથી પકડાઈ

Mother Kills Son: કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ચોંકાવનારો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા CEOએ તેના 4 વર્ષના પુત્રની હત્યા કરી…

gujarattak
follow google news

Mother Kills Son: કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ચોંકાવનારો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા CEOએ તેના 4 વર્ષના પુત્રની હત્યા કરી હતી. મહિલા પોતાના પુત્રના મૃતદેહને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક જઈ રહી હતી, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. મહિલા પાસેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.

2010માં થયા હતા મહિલાના લગ્ન

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મહિલા સૂચના સેઠના લગ્ન 2010માં થયા હતા. તેના પુત્રનો જન્મ 2019માં થયો હતો અને 2020માં તેનો પતિ સાથે વિવાદ થવા લાગ્યો હતો. મામલો કોર્ટમાં ગયો, ત્યારબાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. કોર્ટે આદેશ આપ્યો હતો કે બાળકના પિતા રવિવારે તેના બાળકને મળી શકે છે.

પતિ દીકરાને ન મળી શકે એટલે હત્યા કરી નાખી

કોર્ટના આદેશ બાદ આરોપી મહિલા દબાણમાં આવી ગઈ કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેનો પતિ તેના પુત્રને મળે. આથી પ્લાન મુજબ આરોપી મહિલા શનિવારે તેના પુત્ર સાથે ગોવા ગઈ હતી અને હોટલમાં તેની હત્યા કરી હતી. મહિલાએ વિચાર્યું કે તેનો પતિ તેના પુત્રને મળી શકશે નહીં. જેના કારણે તેણે પુત્રની હત્યા કરી હતી.

પોલીસને ઘટનાની જાણ કેવી રીતે થઈ?

ગોવાની જે હોટલમાં મહિલા રોકાઈ હતી, તે તેના ચાર વર્ષના બાળકને પણ સાથે લઈને આવી હતી. જ્યારે મહિલા હોટલમાંથી બહાર નીકળી ત્યારે બાળક તેની સાથે ન હતું. મહિલાને એકલી જતી જોઈને હોટલ સ્ટાફને શંકા ગઈ. મહિલા જે ટેક્સીમાં ગઈ હતી તે લોકલ હતી તેથી હોટલના સ્ટાફે ટેક્સી ડ્રાઈવરને ફોન કરીને મહિલા વિશે પૂછ્યું હતું. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે મહિલા ટેક્સીમાં એકલી હતી. આ પછી હોટલના સ્ટાફે પોલીસને બોલાવીને સંપૂર્ણ માહિતી આપી અને પોલીસે કર્ણાટકના ચિત્રદુર્ગમાં મહિલાની ધરપકડ કરી અને બેગમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો.

ઘટના ગોવાના આ વિસ્તારમાં બની હતી

મહિલાએ ગોવાના કેન્ડોલિમમાં દીકરાની હત્યા કરી હતી. ગોવાના ડીજીપી જસપાલ સિંહે મહિલાની તેના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. ગોવા ક્રાઈમ એસપી ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સમાં આ કેસની બાકીની માહિતી શેર કરશે.

    follow whatsapp