AIની કમાલ, સરકારી ભરતી પરીક્ષામાં બેઠેલા 87 ડમી ઉમેદવારોને ફેસ રેકગ્નિશનથી ઝડપી લીધા

ઉત્તર પ્રદેશ: AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યું ત્યારથી તેના ફાયદા સાથે ગેરફાયદાની ચર્ચાઓ થઈ રહી છે. ક્યારેક કહેવાયું કે AIથી માણસની નોકરી પર ભય…

gujarattak
follow google news

ઉત્તર પ્રદેશ: AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યું ત્યારથી તેના ફાયદા સાથે ગેરફાયદાની ચર્ચાઓ થઈ રહી છે. ક્યારેક કહેવાયું કે AIથી માણસની નોકરી પર ભય ઊભું થશે. આ વચ્ચે AI યુપી પોલીસ માટે ઘણું મદદરૂપ થયું છે. એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેસ રેકગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કરીને, ઉત્તર પ્રદેશ પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 87 શંકાસ્પદ નકલ કરનારાઓને પકડ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, લખનૌમાંથી સૌથી વધુ 11 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદ જિલ્લામાંથી કુલ 12 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ડમી ઉમેદવારો ઝડપાયા
પકડાયેલા લોકોમાં ડમી ઉમેદવારોનો સમાવેશ થાય છે જેમને ‘સોલ્વર્સ’ તરીકે ઓળખાય છે. તેઓ અસલી ઉમેદવારોની જગ્યાએ છેતરપિંડીથી હાજર થયા હતા અને ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (UPSSSC) દ્વારા ગ્રામ વિકાસ અધિકારી (VDOs) તરીકેની ભરતી માટેની પરીક્ષા પાસ કરવા માટે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા હતા.

કડક બંદોબસ્તમાં થઈ પરીક્ષા
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ, UPSSSC દ્વારા પરીક્ષાની શુદ્ધતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરીક્ષાને લગતી તમામ પ્રવૃત્તિઓના લાઇવ સ્ટ્રીમિંગ સાથે તમામ કેન્દ્રો પર પરીક્ષાનું બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આયોગ દ્વારા ઉપયોગમાં લેવાતા એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેસ રેકગ્નિશન સોફ્ટવેર અને ટેકનિકનો ઉપયોગ કરીને અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને જિલ્લા તેમજ સ્થાનિક પોલીસ પ્રશાસનના સક્રિય સમર્થન અને સહાયથી ઓછામાં ઓછા 87 ‘સોલ્વર્સ’ (એક મહિલા સહિત) પકડાયા છે.

લખનઉમાંથી સૌથી વધુ નકલી પકડાયા
આવા સૌથી વધુ શકમંદોને લખનૌ (11), ત્યારબાદ બાંદા (10), અલીગઢ (8), કાનપુર (8), વારાણસી (8), ગાઝિયાબાદ (7), ગોરખપુર (6), આઝમગઢ (5), ગૌતમ બુદ્ધ નગર (5), મિર્ઝાપુર (5), આગ્રા (4), ઝાંસી (4), બસ્તી (2), અને બરેલી, મેરઠ, પ્રયાગરાજ અને મુરાદાબાદમાં એક-એક પકડાયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, રાજ્ય દ્વારા આયોજિત જાહેર પરીક્ષાઓ દરમિયાન છેતરપિંડી, બનાવટી અને અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવાના આરોપો પર એફઆઈઆરની નોંધણી સહિત આ તમામ કેસોમાં સંબંધિત જિલ્લાઓમાં યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

    follow whatsapp