UP Bus Accident: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસની ટક્કર થઈ, જે બાદ બસ અનેક પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે, જ્યારે 19થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
દૂધના ટેન્કર સાથે બસનો અકસ્માત
મળતી માહિતી મુજબ, ડબલ ડેકર બસ (UP95 T 4720) બિહારના મોતિહારીથી દિલ્હી આવી રહી હતી. સવારે લગભગ 5.15 વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢા ગામ સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ટેન્કરે તેને ઓવરટેક કરી અને તે દરમિયાન બસની ટક્કર થઈ ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડબલ ડેકર બસ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. જ્યાં અકસ્માત થયો, ત્યાં જ લાશો પથરાઈ ગઈ હતી. વહેલી સવારે બનેલા આ અકસ્માતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.
ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે, "આ દુર્ઘટના સવારે લગભગ 5.15 વાગ્યે થઈ હતી. બિહારના મોતિહારીથી આવી રહેલી એક ખાનગી બસ દૂધ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 19 મુસાફરો ઘાયલ થયા હતા. પ્રારંભિક તપાસ દર્શાવે છે. કે તમામ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.
મૃતકોમાં 14 પુરૂષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ
આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
સીએમ યોગીએ ઉન્નાવ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
UPના સીએમ યોગીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે 'X' પર લખ્યું, "ઉન્નાવ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હ્રદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામને પ્રાર્થના છે કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય."
ADVERTISEMENT