શ્રીલંકા-થાઈલેન્ડ બાદ હવે આ દેશમાં પણ ભારતીયોને મળશે વિઝા ફ્રી એન્ટ્રી, પાસપોર્ટ સાથે રાખવો જરૂરી

મલેશિયાએ રવિવારે મોટી જાહેરાત કરી છે કે હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને…

gujarattak
follow google news

મલેશિયાએ રવિવારે મોટી જાહેરાત કરી છે કે હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કહ્યું કે, ભારતના લોકો પર એ જ નિયમો લાગુ થશે જે રીતે ચીનના નાગરિકોને લાગુ પડે છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી છે. આ પહેલા મલેશિયાએ સાઉદી અરેબિયા, બહરીન, કુવૈત, UAE, ઈરાન, તુર્કી અને જોર્ડનને આ સુવિધા આપી ચૂક્યું છે. નોંધનીય બાબત એ છે કે આ બધા મુસ્લિમ દેશો છે.

આ લોકોને જ મળશે ફ્રી એન્ટ્રી

વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ભારતીય અને ચીનના નાગરિકોને સુરક્ષા મંજૂરી (security clearance) પછી જ વિઝાની છૂટ મળશે. જે લોકોનો ક્રિમિનલ રેકોર્ડ હશે તેમને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, મલેશિયાના ગૃહમંત્રી સૈફુદ્દીન ઈસ્માઈલ વિઝા ફ્રી એન્ટ્રી અને છૂટને લઈને વિગતો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે ચીને પણ મલેશિયા માટે વિઝા ફ્રી પોલિસીનું એલાન કર્યું છે. જોકે, તે 1 ડિસેમ્બર, 2023થી 30 નવેમ્બર, 2024 સુધી જ લાગુ રહેશે

ભારત સાથેના સબંધોને લઈ કરી મોટી વાત

મલેશિયા દ્વારા ભારત સાથેના સંબંધોને લઈને પણ મોટી વાત કહેવામાં આવી છે. મલેશિયાના વડાપ્રધાને કહ્યું કે દરેક મોરચે ભારતનો સહયોગ જરૂરી છે. આસિયાન-ઈન્ડિયા મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ દરમિયાન, મલેશિયામાં ભારતના હાઈ કમિશનર બીએન રેડ્ડીએ કહ્યું કે મલેશિયા સાથેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. બંને દેશોએ સકારાત્મક દિશામાં આગળ વધવાની જરૂર છે. બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોને 65 વર્ષ પૂર્ણ થયા છે. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

આ દેશ પણ કરી શકે છે જાહેરાત

તમને જણાવી દઈએ કે ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. મલેશિયા આર્થિક વિકાસને ટેકો આપવા અને પ્રવાસન વધારવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિયેતનામ ભારતના લોકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત પણ કરી શકે છે. હાલમાં તેણે જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ માટે તેની જાહેરાત કરી છે.

 

    follow whatsapp