Viral Video News: ડીપફેક વીડિયોને લઈને અત્યારે ઘણી ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પહેલા રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પછી સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર પણ તેની જાળમાં ફસાઈ ગઈ. સેલેબ્સની સાથે-સાથે સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ ડીપફેકને લઈને ચિંતા વ્યક્ત કરી અને તેના પર કડક કાયદો લાવવાની અપીલ કરી. જોકે, આ વચ્ચે હવે ઐશ્વર્યા રાય બચ્ચન પણ ડીપફેક વીડિયોનો શિકાર બની છે. વીડિયો (ડીપ ફેક વીડિયો)માં ઐશ્વર્યા રાય બચ્ચન સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ના ગીત ‘લેકે પ્રભુ કા નામ’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય જોવા મળી રહી છે. આ એક ટ્રાન્ઝિશન વીડિયો છે, જેમાં ઐશ્વર્યા પહેલા સામાન્ય જીન્સ-ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે અને ટ્રાન્ઝિશન બાદ તે સાડીમાં જોવા મળે છે. તો વીડિયોના બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3નું ગીત ‘લેકે પ્રભુ કા નામ’ વાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ એક ડીપફેક વીડિયો છે અને હકીકતમાં આ વીડિયોમાં દેખાતી યુવતી ઐશ્વર્યા રાય બચ્ચન નથી.
અદિતિ પંડિતનો છે વીડિયો
જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમને બે વાત સમજાશે. પહેલું એ કે વીડિયોમાં ઐશ્વર્યા રાયનો ચહેરો એડિટેડ છે અને બીજું એ કે આ વીડિયોમાં જે ડાન્સ છે તે પણ સલમાનના ગીત પર નથી, એટલે કે સ્ટેપ્સ અન્ય કોઈ સોન્ગના છે. હવે તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં ખરેખર અદિતિ પંડિત છે, જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. અસલી વીડિયોમાં અદિતિ પ્રિયંકા ચોપરાના ગીત ‘દેશી ગર્લ’ પર ડાન્સ કરી રહી છે, જેને તેણે 19 ઓક્ટોબરે શેર કર્યો હતો.
રશ્મિકા-સારા પણ બની શિકાર
નોંધનીય છે કે, સૌથી પહેલા રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો લોકોની નજરમાં આવ્યો હતો. જેમાં ઝરા પટેલના વીડિયો પર રશ્મિકાનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. આ વીડિયોની સત્યતા બહાર આવ્યા બાદ અમિતાભ બચ્ચન સહિત અન્ય ઘણી હસ્તીઓએ ડીપફેક સામે અવાજ ઉઠાવ્યો હતો. રશ્મિકા પછી સારા તેંડુલકરનો શુભમન ગિલ સાથેનો ફોટો વાયરલ થયો હતો, જેમાં હકીકતમાં અર્જુન તેંડુલકરના ચહેરા પર શુભમન ગિલનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે ઐશ્વર્યા રાયનો ડીપફેક વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT