ઇમ્ફાલ: મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓ સાથે જે ક્રૂરતા થઈ તે વીડિયોએ આખા દેશને હચમચાવી નાખ્યો. હવે આ ઘટના બાદ હિંસા સાથે જોડાયેલો વધુ એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કુકી સમુદાયના એક વ્યક્તિનું કપાયેલું માથું વાંસની ફેન્સિંગ પર લટકતું જોવા મળે છે. મૃતકની ઓળખ ડેવિડ થીક તરીકે થઈ છે.
ADVERTISEMENT
ઈન્ડિયા ટુડે NE ના અહેવાલ મુજબ, વીડિયો બિષ્ણુપુર જિલ્લાનો છે. જેમાં, કુકી સમુદાયના ડેવિડ થીકનું કપાયેલું માથું રહેણાંક વિસ્તારમાં વાંસની વાડ પર રાખવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે 2 જુલાઇના રોજ હિંસા દરમિયાન તેમનું મોત થયું હતું. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતા.
આ પહેલા બુધવારે મણિપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક ટોળું કુકી સમાજની બે મહિલાઓને નગ્ન અવસ્થામાં લઈને રસ્તા પર ફરે છે. એટલું જ નહીં મહિલાઓ સાથે અભદ્રતા અને બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 4 મેની ઘટનાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મણિપુરમાં ફરી તણાવ વધી ગયો છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
મણિપુર 3 મેથી સળગી રહ્યું છે
મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી ‘આદિવાસી એકતા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મીતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની વસ્તીના લગભગ 53% મીતેઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40% આદિવાસીઓ છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
ADVERTISEMENT