અમદાવાદ: ગુજરાતીઓને વિદેશ જવાનું જાણે ભારે ઘેલું લાગ્યું છે. એક બાદ એક નવા નવા કાંડ સામે આવી રહ્યા છે. પોતાના જીવના જોખમે કેનેડા કે યુએસએ જવા રવાના થાય છે. એક તરફ હજુ ગુજરાતનું દંપતી ઈરાનથી કિડનેપરના સકંજા માંથી માંડ છૂટયા છે. ત્યારે બીજી તરફ હવે કેનેડા જવા માટે યુવક યુવતી નકલી પતિ પત્ની બની રવાના થયા હતા. જોકે દેશ બહાર જાય એ પહેલા જ ભાંડો ફૂટી ગયો અને સત્ય બહાર આવ્યું છે. ગુજરાતી યુવક-યુવતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાના એક ગામનો 26 વર્ષનો હાર્દિક પ્રજાપતિ અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી 21 વર્ષની હિરલ પટેલ છેડછાડ કરાયેલા પાસપોર્ટ પર કેનેડા જઈ રહ્યાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે તેમણે ચેન્નઈથી વાયા દિલ્હી થઈ ટોરેન્ટો જતી ફ્લાઈટમાં પોતાના સમગ્ર પ્રવાસનું ચેક-ઈન પણ કરી લીધું હતું. જોકે, ચેન્નઈ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલી તેમની ફ્લાઈટ દિલ્હી લેન્ડ થઈ ત્યારે એરલાઈનના સ્ટાફને શંકા જતાં આ બે પેસેન્જર અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પરથી પકડાયેલા આ ગુજરાતી યુવક-યુવતીનો મૂળ પ્લાન કેનેડા પહોંચ્યા બાદ બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસી જવાનો હતો.
પાસપોર્ટમાં કર્યા ચેડાં
પતિ પત્ની બની અને કેનેડા થી યુએસએ જવાના પ્લાનમાં પોલીસે હાર્દિક અને હિરલની તપાસ કરતાં તેમની પાસેથી મળેલા પાસપોર્ટમાં પણ ચેડાં કર્યા હોવાનું બહાર આવ્યું છે. કેનેડાના બે અને અમેરિકાના એક એજન્ટે હિરલ અને હાર્દિક માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી. જે મૂળ પંજાબના લુધિયાણાના અને માર્ચ 2023માં કેનેડા સેટલ થઈ ગયેલા એક કપલના હતા. જેમનું નામ શિવાની બંસલ અને સની બંસલ હોવાનું જાણવા મળ્યું હતું, 37 વર્ષની આસપાસની ઉંમર ધરાવતું આ કપલ 29 માર્ચે વર્ક પરમિટના આધારે ઈન્ડિયાથી કેનેડા ગયું હતું. હિરલ અને હાર્દિકને અમેરિકા મોકલવાનું કામ હાથમાં લેનારા એજન્ટોએ પંજાબી કપલના પાસપોર્ટ ગમે તેમ કરીને ઈન્ડિયા મોકલી દીધા હતા, અને તેમાં છેડછાડ કરીને હિરલ અને હાર્દિકને નકલી પતિ-પત્ની બનાવી કેનેડાની ફ્લાઈટમાં બેસાડી દીધા હતા. પંજાબી કપલ બનીને કેનેડા જઈ રહેલા હિરલ અને હાર્દિક પર કોઈનેય શંકા ના જાય તે માટે તેમને અમદાવાદને બદલે છેક ચેન્નઈથી કેનેડા જતી ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા. ચેન્નઈ એરપોર્ટ પર જ તેમણે પોતાના છેક ટોરેન્ટો સુધીના પ્રવાસનું ચેક-ઈન કરી લીધું હતું
બંને એ પોલીસ સમક્ષ કરી કબૂલાત
હિરલ અને હાર્દિકે દિલ્હી પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેમનો મૂળ પ્લાન કેનેડા પહોંચીને અમેરિકા જવાનો હતો. જેના માટે તેઓ કેનેડાના અને અમેરિકાના એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. એજન્ટે જ તેમના માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી. નકલી દંપતીની કબૂલાત બાદ પોલીસે ઠગાઈ અને બનાવટી દસ્તાવેજના ગુના હેઠળ બંનેની ધરપકડ કરી હતી.આ બંનેએ કયા એજન્ટ મારફતે કેનેડા જવા માટે નીકળ્યા હતા, તેમને ત્યાં પહોંચીને ક્યાંથી બોર્ડર ક્રોસ કરવાની હતી તેમજ આ સમગ્ર કામ માટે તેમણે કેટલા રૂપિયામાં સોદો કર્યો હતો તેની કોઈ વિગતો બહાર નથી આવી શકી.
ADVERTISEMENT