King Charles III Cancer: બ્રિટનના કિંગ ચાર્લ્સ III 75 વર્ષની ઉંમરે કેન્સરથી પીડિત છે. બકિંગહામ પેલેસ તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. સપ્ટેમ્બર 2022 માં રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો. બકિંગહામ પેલેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કિંગ ચાર્લ્સ III એક પ્રકારના કેન્સરથી પીડિત છે. પ્રોસ્ટેટ ગ્રંથિની તપાસ દરમિયાન તે કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, કેન્સરનો પ્રકાર જાહેર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
કિંગ ચાર્લ્સ-3 કેન્સરગ્રસ્ત થયા
બકિંગહામ પેલેસના એક નિવેદન અનુસાર, કિંગ ચાર્લ્સ સારવારને લઈને સંપૂર્ણપણે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે તેમની સાર્વજનિક જવાબદારીઓ પર પાછા ફરશે. કિંગ ચાર્લ્સને કયા સ્ટેજમાં અને શરીરના કયા ભાગમાં કેન્સર છે તે અંગે પેલેસે માહિતી આપી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિંગ ચાર્લ્સને નિયમિત સારવાર દરમિયાન કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ કારણે ડોક્ટરોએ કિંગ ચાર્લ્સને કોઈપણ પ્રકારના જાહેર કામથી દૂર રહેવાની સૂચના આપી છે. જો કે આ સમયગાળા દરમિયાન તેઓ સરકારી કામ કરતા રહેશે.
પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમ્સે પૂછ્યા ખબર
કિંગ ચાર્લ્સે પોતે પોતાના બે પુત્રો પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમને આ બીમારી વિશે જણાવ્યું છે. પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ તેના પિતાના સતત સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અમેરિકામાં રહે છે. હેરીએ તેના પિતા સાથે વાત કરી છે અને અહેવાલ છે કે તે આગામી દિવસોમાં તેના પિતાને મળવા બ્રિટન આવશે.
કિંગ ચાર્લ્સ સોમવારે નોર્ફોકથી લંડન પરત ફર્યા હતા. બકિંગહામ પેલેસે કહ્યું છે કે, કિંગ ચાર્લ્સની સારવાર આઉટપેશન્ટ તરીકે થશે, એટલે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર લેવામાં આવશે નહીં.
ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પ્રતિક્રિયા આપી
કિંગ ચાર્લ્સ કેન્સરથી પીડિત હોવાના સમાચાર પર, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે, મને કોઈ શંકા નથી કે તે ટૂંક સમયમાં પૂરી તાકાત સાથે પરત ફરશે. હું જાણું છું કે આખો દેશ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ કિંગ ચાર્લ્સને કેન્સર થવા પર એક પોસ્ટ લખી અને કિંગ ચાર્લ્સના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે, બાઇડનના પુત્રનું મગજના કેન્સરથી 46 વર્ષની વયે અવસાન થયું હતું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ કિંગ ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે કહ્યું કે, અમે સંપૂર્ણપણે બ્રિટિશ લોકોની સાથે છીએ.
ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે પણ કિંગ ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને કહ્યું કે, તેઓ આ સંદર્ભે બકિંગહામ પેલેસને પત્ર લખશે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ કિંગ ચાર્લ્સને કેન્સરમાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કેનેડાના લોકો વતી હું કિંગ ચાર્લ્સના કેન્સરમાંથી ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.
73 વર્ષની ઉંમરે રાજા બન્યા
રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી, કિંગ ચાર્લ્સ III બ્રિટનના રાજા બન્યા. ગયા વર્ષે મે મહિનામાં તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પછી તેમને રાજા ચાર્લ્સ III તરીકે સંબોધવામાં આવે છે. તેઓ 73 વર્ષની ઉંમરે રાજા બન્યા.
ચાર્લ્સનો જન્મ 14 નવેમ્બર 1948ના રોજ બકિંગહામ પેલેસમાં થયો હતો. જ્યારે તેમની માતાને રાણી એલિઝાબેથ II ને તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તેઓ 4 વર્ષનો હતો. 1969 માં, 20 વર્ષની ઉંમરે, તેમને કેરફર્નન કેસલ ખાતે પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ચાર્લ્સે 29 જુલાઈ 1981ના રોજ લેડી ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યા. તે લગ્નથી તેમના બે પુત્રો, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીનો જન્મ થયો. 28 ઓગસ્ટ 1996ના રોજ લગ્ન તૂટી ગયા. 9 એપ્રિલ, 2005 ના રોજ, તેણે કેમિલા સાથે લગ્ન કર્યા.
ADVERTISEMENT