2.21 કરોડ રોકડા, 100 વીઘા જમીન, 14 કિલો ચાંદી… 6 મામાએ ભાણેજના લગ્નમાં 8 કરોડનું મામેરું ભર્યું

નાગૌર: રાજસ્થાનના નાગૌરથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે જ્યાં 6 ભાઈઓએ મળીને તેમની બહેનના પુત્ર (ભત્રીજા)ના લગ્નમાં 8 કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે. મામેરું…

gujarattak
follow google news

નાગૌર: રાજસ્થાનના નાગૌરથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે જ્યાં 6 ભાઈઓએ મળીને તેમની બહેનના પુત્ર (ભત્રીજા)ના લગ્નમાં 8 કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે. મામેરું ભરવા માટે આવેલા 6 મામાના કાફલાને જોઈને ગામ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. આ કાફલામાં લક્ઝરી વાહનો, ટ્રેક્ટર-ટ્રોલી અને બળદગાડા સાથે 5 હજાર લોકોએ ભાગ લીધો હતો.

6 ભાઈની એકની એક બહેનના દીકરાના લગ્ન
વાસ્તવમાં નાગૌરના ઢીંગસરા ગામનો મહેરિયા પરિવાર સરકારી કોન્ટ્રાક્ટ, ખેતી અને મિલકતના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જે મુખ્યત્વે ખેતી કરે છે. આ પરિવારની એકમાત્ર બહેન ભંવરી દેવીના પુત્ર સુભાષ ગોદારાના લગ્ન હતા એવામાં તેમના 6 ભાઈઓ અર્જુન રામ મહેરિયા, ભગીરથ મહેરિયા, ઉમ્મેદારમ મહેરિયા, હરિરામ મહેરિયા, મેહરામ મહેરિયા, પ્રહલાદ મહેરિયાએ થાળીઓમાં પૈસા સજાવ્યા હતા. ઘરેણાં, સોના-ચાંદીથી ભરેલી પ્લેટો અને ઘઉં ભરેલું ટ્રેક્ટર લઈને ભાણેજના લગ્નમાં હાજરી આપવા મામા આવ્યા હતા. તો બીજી તરફ બહેન તરફથી પણ ભાઈને આવકારવામાં કોઈ કમી ન હતી. જેમ 6 ભાઈઓ વૈભવી મામેરા સાથે આવી પહોંચ્યા તો બહેને પણ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

મામેરામાં 6 મામાએ શું-શું આપ્યું?
મળતી માહિતી મુજબ, 6 ભાઈઓએ બહેનના દીકરાના લગ્નમાં 2.21 કરોડ રૂપિયા રોકડા, 100 વીઘા જમીન (4 કરોડ 42 લાખ), એક કિલો 125 ગ્રામ સોનું (રૂ. 71 લાખ), 14 કિલો ચાંદી (રૂ. 9 લાખ 80 હજાર), રહેણાંક પ્લોટ (50 લાખ), લગ્ન સમારોહમાં આવેલા મહેમાનોને ભેટ તરીકે ચાંદીના સિક્કા (11 લાખ 20 હજાર), અનાજથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી (7 લાખ) અને દરેક પરિવારને પાંચસો રૂપિયાની કિંમતનો ડ્રેસ (4 લાખ) પણ આપવામાં આવ્યા હતા.

મામાનો વટ જોઈને ગામ લોકોની આંખો અંજાઈ ગઈ
નોંધનીય છે કે, 6 ભાઈઓએ બહેનના દીકરા એવા ભાણેજના લગ્નમાં મામેરું ભરવામાં કોઈ કસર નહોતી છોડી. મામેરામાં ભાઈઓ ગાડીઓ લઈને ગામમાં પહોંચ્યા હતા. ખાલી ગાડીઓનો જ કાફલો 1 કિલોમીટર લાંબો હતો. કાફલામાં સાથે ટ્રેક્ટર, કાર, ઊંટગાડી, બળદગાડું પણ હતા.

    follow whatsapp