Haryana School Bus Accident: હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં આજે સવારે એક ખાનગી સ્કૂલની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 6 બાળકોના દુઃખદ અવસાન થયા છે. જ્યારે 12 વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે. હાલ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
ઉન્હાની ગામ પાસે પલટી મારી ગઈ બસ
મળતી માહિતી મુજબ, ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી. આ બસ ખાનગી સ્કૂલ જીએલ પબ્લિક સ્કૂલની હતી, જેમાં લગભગ 35થી 40 બાળકો સવાર હતા. એવું કહેવામાં આવ્યું છે કે આજે રજાના દિવસે પણ સ્કૂલ ચાલું હતી. બાળકોને લેવા માટે સ્કૂલેથી બસ મોકલવામાં આવી હતી.
એક બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ
આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે ત્યાં બચાવ કામગીરી શરૂ કરી હતી. 5 બાળકોના મોત થઈ ચૂક્યા હતા, જ્યારે એકની હાલત નાજુક હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું અને મૃતકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ.
12થી વધારે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં 12 થી વધારે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકોને રોહતક પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈદ પર સરકારી રજા હોવા છતાં રાજ્યભરમાં ઘણી ખાનગી સ્કૂલો ચાલું છે. જીએલ પબ્લિક સ્કૂલમાં પણ આજે રજા નહોતી.
બસ ડ્રાઈવરની પોલીસે કરી અટકાયત
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસ ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવી રહ્યો હતો. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને મેડિકલ તપાસ માટે મહેન્દ્રગઢ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે. હજુ સુધી આ અંગે શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT