વિશાખાપટ્ટનમ: મંગળવારે આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ આવેલી એક કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતા બની હોવાની જાણકારી મળી રહી છે. જેના કારણે 50 જેટલા કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. પ્રાથમિક રિપોર્ટ મુજબ ઝેરી ગેસ મહિલા કાર્મચારીઓના શ્વાસમાં જતો રહેતા ઉબકા-ઉલટીથી તેઓ બેભાન થઈની ઢળી પડી હતી.
ADVERTISEMENT
કંપની પરિસરમાં લોકોની એન્ટ્રી બંધ
અનકાપલ્લીની પોલીસ મુજબ, અચ્યુતાપુરમમાં આવેલી બ્રાન્ડિક્સ કંપનીમાં ગેસ લીકથી કેટલીક મહિલા કર્મચારીઓની તબિયત લથડી હોવાની જાણકારી મળી હતી. તેમાંથી કેટલાકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં પોલીસ APPCBના અધિકારીક નિવેદનની રાહ જોઈ રહી છે અને પરિસરમાં કોઈને જવા દેવામાં આવી રહ્યા નથી.
50 મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ
અનકાપલ્લીના પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ, આ ઘટના સાંજે 6.15થી 7 વાગ્યા વચ્ચે બની હતી. કંપનીમાં બપોરે 2 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની બીજી શિફ્ટમાં 1000 જેટલા કર્મચારીઓ હતા. જેમાંથી 50 જેટલી મહિલાઓએ ઉબકા અને ઉલટીની ફરિયાદ કરતા તેમને અનાકાપલ્લીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઘટનાનું કારણ શોધવામાં લાગી પોલીસ
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં તમામ અન્ય કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને સ્થિતિ કન્ટ્રોલમાં છે. સામાન્ય લક્ષણો સાથે બીમાર કર્મચારીઓ સારવાર હેઠળ છે. આ ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હજુ સુધી કોઈ જાનહાનિની ખબર મળી નથી.
કંપનીમાં પ્રેગ્નેન્ટ મહિલાઓ પણ હતી
પોલીસના સૂત્રોએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, SEZ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન)ના કેટલાક કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે કેટલાકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બિમાર પડેલા કેટલાક કર્મચારીઓમાંથી કેટલીક મહિલા પ્રેગ્નેન્ટ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. બ્રાન્ડિક્સ કંપનીમાં ગાર્મેન્ટ મેન્યુફેક્ચરીંગ યુનિટમાં હજારો કર્મચારીઓ છે, જેમાં મોટાભાગની મહિલા કર્મચારીઓ છે. હાલમાં પ્લાન્ટમાં ખૂબ ઓછો ગેસ હતો અને પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT