Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારત માતાના 5 સપૂતો વીરગતિ પામ્યા છે અને 2 ઘાયલ થયા છે. સેનાએ આતંકીઓે પકડવા માટે આ વિસ્તારને ઘેરી લીધો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સમર્થિત પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ આ હુમલાની જવાબદારી લીધી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીઓ ગુલામ નબી આઝાદ અને મહેબૂબા મુફ્તીએ આ હુમલાની સખત નિંદા કરી છે.
ADVERTISEMENT
આતંકી હુમલામાં 5 જવાનો શહીદ
જમ્મુ સ્થિત ડિફેન્સ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બાર્તવાલ (Sunil Bartwal)એ જણાવ્યું હતું કે, સૈન્ય વાહનમાં સૈનિકો કોર્ડન અને સર્ચ ઓપરેશન સ્થળ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજૌરી-થાનામંડી-સૂરનકોટ રોડ પર સાવની વિસ્તારમાં લગભગ બપોરે 3.45 વાગ્યે આતંકીઓએ લશ્કરી વાહનો પર હુમલો કર્યો હતો. સેનાના જવાનોને લઈ જતી ટ્રક પર આતંકીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 5 જવાનો શહીદ થયા છે. આતંકી હુમલા બાદ ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને મોટા પાયે આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આશંકા છે કે આતંકીઓ નિશાન બનાવવામાં આવેલા સૈનિકોના હથિયારો લઈ ગયા હોઈ શકે છે.
આ વિસ્તારમાં ઘણીવાર થઈ ચૂક્યો છે હુમલો
અધિકારીએ જણાવ્યું કે, રાજૌરી અને પુંછ જિલ્લાની સરહદ પર ઢેરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચેનો વિસ્તાર ગીચ જંગલોથી ઘેરાયેલો છે. ચમરેરેર જંગલ અને પછી ભાટા ધુરિયાના જંગલ તરફ જાય છે, જ્યાં આ વર્ષે 20 એપ્રિલે આર્મીના વાહન પર અચાનક થયેલા હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતા. મે મહિનામાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન ચમરેરના જંગલમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા અને એક રેન્ક અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. આ ઓપરેશનમાં એક વિદેશી આતંકવાદી પણ માર્યો ગયો હતો.
2011માં નવ જવાનો થયા હતા શહીદ
અગાઉ ઓક્ટોબર 2021માં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા. જ્યારે 11 ઓક્ટોબરના રોજ ચમરેરમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત પાંચ સેનાના જવાનો શહીદ ગયા હતા. 14 ઓક્ટોબરે નજીકના જંગલમાં એક JCO અને ત્રણ જવાનો શહીદ થયા હતા. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓમાં 16 સુરક્ષા જવાનો શહીદ થયા છે અને સાત નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જોકે સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓમાં વિવિધ ઓપરેશનમાં 24 આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે.
ગુરુવારે 5 જવાનો વીરગતિ પામ્પા
ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં નાયક બિરેન્દ્ર સિંહ (15 ગઢવાલ રાઈફલ), નાયક કરણ કુમાર (ASC), રાઈફલમેન ચંદન કુમાર (89 આર્મ્ડ રેજિમેન્ટ), રાઈફલમેન ગૌતમ કુમાર (89 આર્મ્ડ રેજિમેન્ટ) અને અન્ય એક જવાન શહીદ થયા હતા. સેના દ્વારા હાલમાં પાંચમા શહીદ સૈનિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT