દર્શન ઠક્કર/જામનગર: CMની હાજરીમાં કેરોસીન છાંટનારા કોંગ્રેસ પ્રમુખ તથા મહામંત્રીના 4 દિવસના રિમાન્ડ મંજૂર જામનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસ ગ્રસ્ત આઇશોલેશન કમ વેક્સિન સેન્ટરની મુલાકાતે આવ્યા હતા ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરનારા શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાના પર કેરોસીન છાંટનારા દિગુભા જાડેજા પર પોલીસની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
ADVERTISEMENT
દિગુભા જાડેજા પર કલમ 307 મુજબ ફરિયાદ નોંધાઈ
જામનગરમાં CMની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી હતી તે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા આત્મા વિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કરવા બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને શહેર મહામંત્રી પાર્થ પટેલ ઉપર કલમ 307 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસને જીવતા સળગાવી દેવાના પ્રયાસ બાબતે અને પોલીસ પર કાર ચડાવી દેવા બાબતે જામનગર શહેર કોંગ્રેસ દિગુભા જાડેજા અને શહેર મહામંત્રી પાર્થ પટેલને પોલીસે અટકાયત કર્યા બાદ તેમના પર ગુનો નોંધાયો હતો, જે બાદ બંનેને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને પોલીસ તપાસ અધિકારી દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યારે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોંગ્રેસે સરકાર પર કર્યા આક્ષેપ
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને શહેર મહામંત્રી પાર્થ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાબતને લઈને શહેર-જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં કોર્ટ કમ્પાઉન્ડમાં એકઠા થયા હતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પણ હાજર રહ્યા હતા. સમગ્ર ઘટના બાબતે કોર્ટની કાર્યવાહી ઉપર ચાપતી નજર રાખીને બેઠા હતા જ્યારે આખરે કોર્ટે બંને કોંગ્રેસી નેતાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ ભાઈ કુંભારવડીયાએ તંત્રની કામગીરી જાણી જોઈને કરવામાં આવી હોવાના નિવેદન સાથે સરકાર પર આક્ષેપો કર્યા હતા.
ADVERTISEMENT