લખનઉ : બાંદાથી ફતેહપુર જઈ રહેલી હોડી યમુના નદીમાં ડૂબી ગઈ હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. હોડીમાં 35 લોકો બેઠેલા હતા. જેમાં 17 લોકો ગુમ થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી છે. જો કે 15 લોકોને તરતા આવડતું હોવાનાં કારણે તેઓ કિનારે નિકળવામાં સફળ રહ્યા હતા. ગુરુવારે બપોરે 3 વાગાની આસપાસ મહિલાઓ રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે હોડીમાં બેસીને પિયર જઇ રહી હતી. જો કે હોડીમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નદીમાં જળપ્રવાહ પણ વધારે હોવાનાં કારણે કમાન તૂટી ગઈ હતી. જેથી હોડી અનિયંત્રિત થઈ ગઇ હતી અને પછી આખરે પલટી ગઇ હતી.
ADVERTISEMENT
ઘટના બાદ સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી ચુક્યું હતું. નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હોડી પલટી જવાની ઘટનાને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ જિલ્લાધિકારી, DIG, NDRF અને SDRFની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે લઇ જવા માટેના નિર્દેશો આપ્યા છે. હાલ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
ઘટના સ્થળે પહોંચેલા SP એ જણાવ્યું કે, હોડીમાં લગભગ 35 લોકો બેઠેલા હતા. જેમાંથી 15 લોકો સુરક્ષિત રીતે તરીને બહાર નીકળી ચુક્યાં છે. જ્યારે 17 લોકો હજી પણ ગુમ છે. લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં એક પુરુષ, એક મહિલા તેમજ તેમના બાળકનો સમાવેશ થાય છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે સમગરા ગામથી મહિલાઓ અને ગામના અન્ય લોકો મરકા ઘાટ પહોંચ્યા હતા. યમુના નદી પાર કરીને ફતેહપુર જીલ્લાના અસોથરા ઘાટ જવા માટે હોડીમાં અંદાજે 40 લો બેઠા હતા. યુમના નદીમાં હોડી જ્યારે વચ્ચે પહોંચી ત્યારે તે સંતુલન ગુમાવતા પલટી ગઈ હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચલાવાઇ રહી છે. ડોક્ટરની એક ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
ADVERTISEMENT