12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા, વિદેશમંત્રીએ આપ્યો આંકડો

નવી દિલ્હી : છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા લીધી છે. રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી…

gujarattak
follow google news

નવી દિલ્હી : છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા લીધી છે. રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકરે આ વાત કહી હતી. જયશંકરે પણ અહીં પ્રતિવર્ષના આંકડા આપ્યા હતા. બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી હતી. છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી છે. પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે જવાબ આપ્યો હતો.

16 લાખથી વધારે નાગરિકોએ પોતાની નાગરિકતા છોડી
જયશંકરે કહ્યું કે, 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી છે. જેમાંથી ગત વર્ષે બે લાખ (2,25,620)થી વધુ લોકોએ નાગરિકતા છોડી દીધી હતી. જયશંકરે પ્રતિવર્ષના આંકડા આપતાં વિદેશ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં 1,31,489, 2016માં 1,41,603 અને 2017માં 1,33,049 લોકોએ ભારતની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા લીધી. પછી 2018 માં આ સંખ્યા 1,34,561 હતી. 2019 માં તે 1,44,017 હતી. 2020 માં નાગરિકત્વ છોડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો અને સંખ્યા 85,256 હતી. 2021 માં તે ફરી વધીને 1,63,370 થઈ ગયો. હવે ગત વર્ષ 2022માં આવા 2,25,620 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી.

મંત્રીએ ભાજપ અને કોંગ્રેસ સરકાર આવ્યા તે બંન્નેના આંકડા આપ્યા
ઉપર આપેલા તમામ આંકડા ભાજપ સરકાર આવ્યા પછીના છે. સંદર્ભ માટે, જયશંકરે અગાઉના એટલે કે મનમોહન સિંહ સરકાર દરમિયાનના આંકડા પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે 2011માં નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા 1,22,819 હતી. જ્યારે 2012માં આ સંખ્યા 1,20,923 હતી. પછી 2013માં તે વધીને 1,31,405 થઈ અને 2014માં ઘટીને 1,29,328 થઈ ગઈ. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે 2011થી આ રીતે દેશની નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા વધીને 16,63,440 થઈ ગઈ છે. જયશંકરે 135 દેશોની યાદી પણ આપી કે જેમની નાગરિકતા ભારતના લોકોએ લઈ લીધી છે. આ સાથે બીજા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ ભારતીયોએ સંયુક્ત આરબ અમીરાતની નાગરિકતા લીધી છે.

ભારતીય સંવિધાનમાં સિંગલ સિટિઝનશિપ સિસ્ટમ છે
ભારતમાં સંવિધાન અનુસાર સિંગલ સિટિઝનશિપની સિસ્ટમ છે. અહીં એકલ નાગરિકતાની સિસ્ટમનો અર્થ છે કે ભારતીય નાગરિક એક સમયે માત્ર એક જ દેશનો નાગરિક બની શકે છે. મતલબ કે જો તે વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા લે છે, તો ભારતીય નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જશે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, લોકો સારી રોજગાર અને રહેવાની સ્થિતિ માટે અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે અથવા ત્યાંની નાગરિકતા લે છે. ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ, 2020 મુજબ, લોકો સારી જીવનશૈલી માટે નવી નાગરિકતા લે છે. આ સાથે દેશમાં વધતા ક્રાઇમ રેટ અથવા બિઝનેસની તકોના અભાવને કારણે પણ લોકો આવું કરે છે.

    follow whatsapp